બોલીવૂડના 'ગ્રીક ગોડ' ગણાતા રીતિક રોશન પોતાની ફિટનેસ અને શાનદાર ડાન્સ સ્ટેપ્સ માટે જાણીતો છે, પરંતુ હવે રીતિક રોશનના ફેન્સની ચિંતામાં વધારો કરે એવા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં રીતિક રોશનની હાલત જોતાં ચાહકો ટેન્શનમાં આવી ગયા છે. વાઈરલ થઈ રહેલો આ વીડિયો મુંબઈમાં આયોજિત એક પાર્ટીનો હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં રીતિક રોશન વોકિંગ સ્ટિકના સહારે ચાલતો જોવા મળ્યો છે. ફેન્સ આ વીડિયો કમેન્ટ બોક્સમાં તેના હેલ્થને લઈને સવાલ પૂછી રહ્યા છે.
પોતાના લુક્સ અને મજબૂત બોડી માટે પ્રખ્યાત રીતિક રોશનનો એક વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે બ્લેક હૂડી અને કેપ પહેરીને લાકડીના સહારે ધીમે ધીમે ચાલતો જોવા મળી રહ્યો છે. રીતિક ગોલ્ડી બહલ અને સોનાલી બેન્દ્રેના ઘરે આયોજિત એક પાર્ટીમાં પહોંચ્યો હતો. એક્ટરને થોડા સમય પહેલાં જ ઘૂંટણમાં ગંભીર ઈજા પહોંચી હતી અને કે આ ઈજામાંથી રિકવર થઈ રહ્યો છે. ઈજા વધુ ન વકરે અને ફાસ્ટ રિકવરી માટે તે માટે ડોક્ટરોની સલાહ મુજબ વોકિંગ સ્ટિકનો ઉપયોગ કરી રહ્યો છે.
રીતિક રોશનના કામ પ્રત્યેના ડેડિકેશન વિશે વાત કરતાં કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિસે તાજેતરમાં જ એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે ફિલ્મ 'ઝિંદગી ના મિલેગી દોબારા'ના સુપરહિટ ગીત 'સેનોરીટા' ના શૂટિંગ વખતે રીતિક અસહ્ય પીડામાં હતો. રીતિકને એટલો બધો દુખાવો હતો કે તેના માટે ઉભા રહેવું પણ મુશ્કેલ હતું. તેમ છતાં, તેણે આ ગીતનું શૂટિંગ કર્યું હતું.
સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણી દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયો પર ફેન્સ સતત ગેટવેલ સૂનની કમેન્ટ્સ કરી રહ્યા છે. રીતિક અત્યારે પોતાની આગામી ફિલ્મોના પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યો છે, પરંતુ હેલ્થ ફર્સ્ટ પ્રાયોરિટી હોવાથી તેણે હાલમાં ફિઝીકલ એક્ટિવિટી પર બ્રેક લગાવી છે.