અમદાવાદઃ રંગભૂમિને વફાદાર રંગકર્મીના અવસાનથી સમગ્ર કલાજગતમાં શોકનો માહોલ સર્જાયો છે. ઉત્તમ કલાકાર અને ઉમદા માનવી એવા રંગકર્મી રાજુ બારોટ હવે આપણી વચ્ચે નથી રહ્યાં, તેમણે આ દુનિયાને અલવિદા કહીં દીધું છે. ગુજરાતી તખ્તા તથા ટેલિવિઝન ના પ્રખ્યાત અભિનેતા, દિગ્દર્શક, ગાયક, સ્વરકાર અને એટલા જ ઉમદા વ્યક્તિત્વ રાજુ બારોટનું 76 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ ઉત્તરાખંડના પ્રવાસ પર હતા ત્યારે હ્રદયરોગના હુમલાથી નિધન થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પાર્થિવ દેહને આવતીકાલે સાંજે અમદાવાદ લાવવામાં આવશે
રાજુ બારોટના પાર્થિવ દેહને આવતીકાલે સાંજે અમદાવાદ લાવવામાં આવે તેવી શક્યતાઓ છે. રંગકર્મી રાજુ બારોટે નાટક અને સાથી તજજ્ઞ તરીકે કરેલી રંગભૂમિની વિલક્ષણ ચર્ચા હંમેશા યાદ રહેવાની છે. દાયકાઓ સુધી રંગમંચને જીવંત રાખનાર આ દિગ્ગજ કલાકારના જવાથી ગુજરાતી નાટ્ય જગતે એક અનમોલ રત્ન ગુમાવી દીધું છે. જેથી રંગકર્મીઓમાં પણ શોકની લહેર ફરી વળી છે.
પ્રખ્યાત અભિનેતા, દિગ્દર્શક, ગાયક અને સ્વરકાર એટલે રાજુ બારોટ
રાજુ બારોટે વર્ષ 1977માં ભારતની પ્રતિષ્ઠિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અભ્યાસ બાદ તેઓ NSD રિપર્ટરી કંપનીના સભ્ય પણ રહ્યા હતા. રાષ્ટ્રીય સ્તરે ઉજ્જવળ કારકિર્દીની તકો હોવા છતાં તેમણે પોતાની માતૃભૂમિ ગુજરાત પરત ફરવાનું પસંદ કર્યું હતું. રાજુ બારોટે પોતાનું આખું જીવન ગુજરાતી રંગભૂમિના ઉત્થાન માટે સમર્પિત કરી દીધું છે. તેમની આ સમર્પણને પણ ગુજરાતી રંગભૂમિ હંમેશા યાદ રાખશે.
રાજુ બારોટ કુશળ દિગ્દર્શક અને અભિનેતા તો હતા, પરંતુ સાથે તેમણે અનેક યાદગાર નાટકો પણ આપ્યાં છે. જેથી ગુજરાત સંગીત નાટક અકાદમીનો ‘ગૌરવ પુરસ્કાર’, વર્ષ 2000 માટે ‘શ્રેષ્ઠ પ્લેબેક સિંગર’ એવોર્ડ અને રાજ્ય સરકાર તરફથી ‘શ્રેષ્ઠ ફિલ્મ ડોક્યુમેન્ટરી’ એવોર્ડથી રાજુ બારોટનું સન્માન કરવામાં આવેલું છે. રાજુ બારોટ ગુજરાતી નાટ્યજગતનું એક મોટું નામ છે.
રાજુ બારોટ આ નાટકોમાં અભિનેતા તરીકે જોવા મળ્યાં હતા
રાજુ બારોટ નાટ્ય કલાકાર સાથે સંગીતનું પણ વિશેષ જ્ઞાન ધરાવતા હતા, સાથે દિગ્દર્શક પણ હતા. તેઓએ સોક્રેટિસ, કૈકેય, પરીત્રાણ, કંચન કરશે ગામને કંચન, ડુંગરો ડોલ્યો, સૈયા ભયે કોતવાલ જેવા જાણીતા નાટકોનું દિગદર્શન કર્યું છે. મનુભાઈ પંચોલીની નવલકથા પર ભરત દવે દ્વારા લખાયેલું નાટક સોક્રેટિસમાં પણ અભિનય કર્યો હતો. લૈલા – મજનૂ (નૌટંકી), દાન્તોસ ડેથ, જસમા ઓડન (ભવાઈ), તુઘલક, હિરો હવાલદાર (તમાશાથી ભવાઈ સ્વરૂપમાં), મદિરા (ગ્રીક ‘મીડિયા’), માનવીની ભવાઈ, વંધ્ય (ધી ફાધર), દૂત વાક્યમ અને પ્રબુદ્ધ રૌહિણેયમ (સંસ્કૃત), સૂરા અને શત્રુજીત, જીવન સૂર્ય (ટાગોર વિષે) સહિતના નાટકોમાં અભિનેતા તરીકે જોવા મળ્યા હતા.