Thu Jan 29 2026

Logo

White Logo

નવી મુંબઈ મહાપાલિકાની મોટી કાર્યવાહી: પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટરોની પ્રોપર્ટી જપ્ત; ૧,૦૦૦ કરોડની વસૂલાતનું લક્ષ્ય

4 days ago
Author: Mumbai Samchar Team
Video

નવી મુંબઈ મહાનગરપાલિકા (NMMC) અત્યારે એક્શન મોડમાં છે. નાણાકીય વર્ષ 2025-26ના અંતિમ મહિનાઓ નજીક આવતા જ પાલિકાએ પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા ડિફોલ્ટરો સામે લાલ આંખ કરી છે. 1000 કરોડ રૂપિયાની ટેક્સ વસૂલીનું લક્ષ્ય પૂરું કરવા માટે પાલિકાના વડા ડૉ. કૈલાસ શિંદેના નિર્દેશાનુસાર શહેરભરમાં જપ્તીની ઝુંબેશ વધુ તેજ કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે નેરુલ વિસ્તારમાં ત્રણ મોટી વાણિજ્યિક મિલકતોને જપ્ત કરીને સીલ કરવામાં આવી છે. 

નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે પ્રોપર્ટી ટેક્સ એ આવકનો સૌથી મોટો અને મુખ્ય સ્ત્રોત છે. આ ભંડોળનો ઉપયોગ શહેરના પાણી પુરવઠા, શિક્ષણ, રસ્તા અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓ માટે કરવામાં આવે છે. પરંતુ અનેક મિલકત ધારકો વારંવારની નોટિસ છતાં ટેક્સ ભરવામાં આળસ કરી રહ્યા હોવાથી હવે પાલિકા દ્વારા 'ઝીરો ટોલરન્સ' ની નીતિ અપનાવવામાં આવી છે.

ચાલુ નાણાંકીય વર્ષમાં પાલિકાએ જાન્યુઆરીના અંત સુધીમાં આશરે 610 કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલ્યો છે. માર્ચ 2026ના અંત સુધીમાં બાકીના ૩૯૦ કરોડ રૂપિયા વસૂલીને 1000 કરોડનો આંકડો સ્પર્શવા માટે વહીવટીતંત્ર ભારે જહેમત ઉઠાવી રહ્યું છે. આ માટે દરેક વોર્ડ ઓફિસમાં ખાસ 'જપ્તી સ્ક્વોડ' (Seizure Squad)ની રચના કરવામાં આવી છે, જે દૈનિક ધોરણે ડિફોલ્ટરોની યાદી ચકાસીને સ્થળ પર જઈ કાર્યવાહી કરી રહી છે.

પાલિકાએ અત્યાર સુધીમાં અન્ય 125 મોટા ડિફોલ્ટરોને અંતિમ નોટિસ પાઠવી દીધી છે. જો આ નોટિસ બાદ પણ બાકી લેણાં ચૂકવવામાં નહીં આવે, તો તેમની મિલકતો પણ જપ્ત કરીને હરાજી સુધીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે. પાલિકા કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે હવે કોઈ પણ પ્રકારની છૂટછાટ કે રાહત આપવામાં આવશે નહીં.

મહાપાલિકાના વડા ડૉ. કૈલાસ શિંદેએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ જપ્તી જેવી કડક અને બળજબરીથી કરવામાં આવતી કાર્યવાહીથી બચવા માટે સ્વેચ્છાએ પોતાનો બાકી વેરો તાત્કાલિક ભરી દે. શહેરના સર્વાંગી વિકાસમાં સહકાર આપવો એ દરેક જવાબદાર નાગરિકની ફરજ છે.