ભારતના તમામ મેટ્રો સિટીમાં ટ્રાફિક અને સતત વાગતા હોર્નનો અવાજ એ કંઈ નવી વાત નથી. આ બંને વસ્તુઓ શહેરમાં રહેતાં લોકોને માનસિક તણાવ આપી શકે છે પછી તે દિલ્હી હોય, મુંબઈ હોય કે પછી અમદાવાદ કેમ ના હોય? આવી સ્થિતિમાં તમને કોઈ કહે કે ભારતમાં જ એક શહેર એવું છે કે જ્યાં લોકો હોર્ન તો નથી જ વગાડતાં, પણ એની સાથે સાથે ત્યાં કોઈ દિવસ ટ્રાફિક જામ પણ નથી થતો તો? માનવામાં આવે ખરું?
મુંબઈ, દિલ્હી, અમદાવાદ જેવા તમામ મોટા શહેરોમાં ટ્રાફિકમાં ફસાયેલા લોકોની અધીરાઈ સતત વાગી રહેલાં હોર્નમાં ઘોંઘાટમાં એકદમ સ્પષ્ટ સંભળાય છે. હવે આવી સ્થિતિમાં હેડિંગ વાંચીને તમને પણ આ અનોખા શહેર વિશે જાણવાની તાલાવેલી થઈ ગઈ હશે, બરાબર ને? ચાલો તમને આ શહેર વિશે જણાવીએ...
નોર્થ ઈસ્ટમાં આવેલું આ નાનકડું શહેર ભારતના મોટા શહેરોમાં વસતાં નાગરિકો માટે એક ઉદાહરણ સમાન છે. વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમન જણાવીએ અને આ શહેર છે ભારતના મિઝોરમની રાજધાની આઈઝોલ (Aizawl). આઈઝોલને જ ભારતના 'સાયલન્ટ સિટી' તરીકે પણ ઓળખવામાં આવે છે.
ટ્રાફિક જામ અને ઘોંઘાટથી પરેશાન લોકો માટે આઈઝોલ એક અદ્ભૂત અને સ્વર્ગની અનુભૂતિ કરાવતું શહેર છે. સમુદ્ર સપાટીથી ૧,૧૦૦ મીટરની ઊંચાઈ પર પહાડોની વચ્ચે વસેલું આ શહેર તેની કુદરતી સુંદરતા કરતાં પણ ત્યાંની લોકોમાં જોવા મળતી કમાલની ટ્રાફિક શિસ્ત માટે વધારે જાણીતું છે.
એક તરફ જ્યાં દેશના અન્ય શહેરોમાં લોકો સેકન્ડ્સની ઉતાવળમાં હોર્ન વગાડીને મગજની નસો ખેંચે છે, ત્યાં બીજી બાજું આઈઝોલમાં લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ઊભા રહેવાનું પસંદ કરે છે પણ હોર્ન નહીં વગાડવાનું પસંદ નથી કરતાં. આ શહેરના રસ્તા પર ડ્રાઈવિંગ કરવું એ માત્ર મુસાફરી નથી, પણ એકબીજા પ્રત્યેના આદરનું પ્રતિક છે. આ જ કારણ છે આ શહેરને સાયલન્ટ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે.
વાત કરીએ આઈઝોલના ટ્રાફિક જામ ફ્રી રોડની તો તેનું કારણ અહીંના લોકોની શિસ્ત છે. આમ જોવા જઈએ તો આઈઝોલ પહાડી વિસ્તારમાં આવેલું છે અને અહીંના રસ્તા પણ પ્રમાણમાં ખૂબ જ સાંકડા છે, છતાં અહીં ટ્રાફિક જામની સમસ્યા નહિવત છે. અહીં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર પોતાની લેનમાં જ ચાલે છે. કોઈ પણ વ્યક્તિ રોંગ સાઈડમાં જવાની કે ઓવરટેક કરવાનો બિલકુલ પ્રયાસ નથી કરતું.
આઈઝોલમાં વસતાં મિઝો સમુદાયના લોકોમાં સામુદાયિક ભાવના અને ઈમાનદારી ખૂબ વધારે હોય છે. તેઓ માને છે કે રસ્તો એ સૌનો છે અને કોઈને તકલીફ ન પડે તે જોવાની જવાબદારી દરેક નાગરિકની છે. આઈઝોલની ભૌગોલિક સ્થિતિ પણ તેને શાંત રાખવામાં મદદ કરે છે. શહેરની આસપાસની હરિયાળી અને ચોખ્ખી હવા અવાજના પ્રદૂષણને કુદરતી રીતે શોષી લે છે. ઉત્તરમાં ડર્ટલાંગના શિખરો અને નદીઓની ખીણોથી ઘેરાયેલું આ શહેર માનસિક શાંતિ માટે શ્રેષ્ઠ છે. અહીં મુખ્યત્વે મિઝો ભાષા બોલાય છે, પરંતુ લોકો હિન્દી અને અંગ્રેજી પણ સારી રીતે સમજી શકે છે.