Tue Jan 27 2026

Logo

White Logo

આગામી અંદાજપત્રમાં કઈ કઈ વાત-વસ્તુ પર જોર આપવું અનિવાર્ય છે?

2 days ago
Author: Mumbaisamachar Team
Video

આ વખતના બજેટ સામે નવી પરીક્ષાઓ આવી છે, વિવિધ દેશો વચ્ચે યુદ્ધ અને તણાવનો માહોલ, ગ્લોબલ અનિશ્ર્ચિંતતા માથે લટકતી તલવાર સમાન ઊભી છે. આ સાથે અમેરિકા તરફથી ટૅરિફનો ત્રાસ અને વિવાદ વધી રહ્યો છે. બજારના કડાકા-ધડાકા ચાલુ છે. રોકાણકારોએ બહુ જ સમજી-વિચારીને પ્લાનિંગ કરવું પડશે...

જયેશ ચિતલિયા

ગયા વરસના બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે દેશના મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખી આવકવેરાના માળખાંના રસપ્રદ ઉદાર સુધારા કર્યા હતા, એટલું જ નહીં, કોઈપણ નવા વેરા નાખ્યા વિના તેમણે દરેક સેકટર-વર્ગને પણ કંઈકને કંઈક રાહત આપવાનો પ્રયાસ કર્યો હતો.

આ વરસે આમાં વધુ સુતાર્કિકરણ થઈ શકે છે, જયારે કે આ વરસના બજેટના લક્ષ્યમાં ગ્લોબલ પડકારોનો જવાબ હશે, જેમાં ટેકનોલોજી-એઆઇ, ઈનોવેશન, સરળીકરણ, ઉત્પાદન-નિકાસ પ્રોત્સાહન, સ્ટાર્ટઅપ્સ ઈકો સિસ્ટમ જેવી બાબતો કેન્દ્રમાં હોઈ શકે છે. વિશ્વનું ત્રીજા ઊંચા કદનું બની ગયેલું ભારતીય અર્થતંત્રનું હવે 10 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી બનવા તરફ આગળ વધવાનું લક્ષ્ય છે, જેથી આ દિશામાં નાણાં પ્રધાને કદમ વધારવા આવશ્યક છે.

નવા કદમ અનિવાર્ય

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આ બજેટમાં વિશેષ નવું અને નક્કર કરવું પડશે. બજેટે અગાઉના પગલાંની સાતત્યતા જાળવવા ઉપરાંત નવા કદમ ગ્લોબલ પડકારોને ધ્યાનમાં રાખી લેવા જોઈશે, જેમ કે 50 થી 100 અને 500 ટકા સુધીના ટૅરિફની યુએસની ધમકી અને દબાણોની વચ્ચે નિકાસને વેગ આપવા, આયાતને અંકુશમાં રાખવા, નવી બજારો હાંસલ કરવા અને વૈશ્વિક તખ્તા પર સ્પર્ધા માટે સક્ષમ બનવાનાં પગલાં ભરવા જોઈશે. મહત્ત્વ માત્ર પગલાંનું કે જાહેરાતોનું નહીં ચાલે, ખરેખર તો તેનું શકિતશાળી અમલીકરણ પણ થવું જોઈશે. કેપિટલ ખર્ચને તેમ જ મૂડીસર્જન સાથે રોજગાર સર્જનને પણ જોર આપવું જોઈશે. આ માટે મૂડીબજાર-શૅરબજારને તથા સ્ટાર્ટઅપ્સ-નવા સાહસોને બળ મળી રહે એવાં કદમ ભરવા પડશે.

બીજી બાજુ, સંભવત આ બજેટમાં જમીન સુધારા જાહેર થઈ શકે છે, કામદાર ધારાના સુધારા બાબતે ગાડી આગળ વધી શકે છે. કરવેરા વિષયક સુધારામાં તો આગળ વધ્યા વિના ઉપાય જ નથી.

સરકારે ઈન્ફ્રાસ્ટ્રકચર પર ખર્ચ કરવાનું ચાલુ રાખવા ઉપરાંત હાઉસિંગ ક્ષેત્રને પણ મજબૂત ટેકો આપવાનો રહેશે.

આત્મનિર્ભર બનવા જોર લગાવો

આત્મનિર્ભર બનવાની દિશામાં નાણાં પ્રધાને આગેકૂચ કરવી જોઈશે, પછી એ સંરક્ષણ ક્ષેત્ર હોય કે અન્ય કોઈ. ઉત્પાદનની વાત હોય. સર્વિસ સેકટરને વેગ આપવા પણ સચોટ પગલાં જોઈશે.

એમએસએમઈ (માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈસિસ)નો સમાવેશ થઈ જશે, આ સેગમેન્ટની ભારતીય અર્થતંત્રમાં બહુ મહત્ત્વની ભૂમિકા રહી છે. ટેકનોલોજી અપગ્રેડેશન અને સ્કિલ ડેવલપમેન્ટ પર જોરદાર જોર જરૂરી છે. અર્થતંત્ર સંબંધી વિકાસલક્ષી નીતિઓના સાતત્યને અને તેના અમલને જાળવી રાખવાનું મહત્ત્વનું રહેશે.

બિઝનેસ સરળીકરણની માગ

નાણાં પ્રધાન નિર્મલા સિતારમણના સતત નવમા બજેટ પાસેની કેટલીક અપેક્ષાઓ પર નજર કરીએ તો રિયલ એસ્ટેટ ઉદ્યોગને લકઝરી હાઉસિંગ પર જીએસટી દર ઘટે એવી આશા છે. કૃષિ ક્ષેત્રને ડિજિટાઈઝેશન અને ટેકનોલોજી અડોપ્શનની અપેક્ષા છે. ખેડૂતો તેમાં વધુ સહભાગી અને સક્રિય બને એ સમયની માગ છે. આ સેકટરમાં પણ એઆઈનો ઉપયોગ અસરકારક બનાવાનું લક્ષ્ય આ બજેટમાં હોઈ શકે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા માળખાંના અને નિયમન માળખાંના સરળીકરણની આશા રખાઈ છે. બિઝનેસ કરવાનું આસાન બનાવવાની દિશામાં હજી સરળતાની માગ છે. સ્વદેશી ખાનગી રોકાણ કે વિદેશી રોકાણ આકર્ષવું હોય તો લાંબા ગાળાની અને સ્થિર નીતિઓ જ અસરકારક ભૂમિકા ભજવી શકે છે એ સત્ય સ્વીકાર્ય બનતું ગયું છે.

ડિજિટલ- AI ટેકનું મહત્ત્વ વધશે

ડિજિટલ લર્નિગને વેગ મળે એવા કદમ બજેટમાં ધ્યાન ખેંચશે, કારણ કે ડિજિટલ ઈન્ડિયા અને  AI  ની સફળતાનો મોટો આધાર તેના પર છે. આ સેકટરમાં શહેરી-ગ્રામ્ય અંતર દૂર થાય, કનેકટિવિટી વધે અને સ્માર્ટ સીટીઝથી લઈ સ્માર્ટ કલાસરૂમ બને એવું વિઝન આગળ લઈ જવું જોઈશે. આ માટે એઆઈ સમાન ટેકનોલોજીસમાં ઈન્વેસ્ટમેન્ટ વધારાશે તેમ જ તેને મહત્તમ પ્રોત્સાહન અપાશે. શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ફાળવણી વધારવા ઉપરાંત આ ક્ષેત્રમાં રોકાણ પ્રવાહ વધે એવી નીતિઓ અપેક્ષિત છે. રિસર્ચ અને ઈનોવેશન પર વધુ ભાર મુકવા સાથે. એજયુકેશન ઈકો-સિસ્ટમમાં  AI  શિક્ષણનો વ્યાપ વધારવાના વિશેષ પગલાંની શકયતા ઊંચી છે. ગ્લોબલ મંચ પર આ સમય  AI નો હોવાથી તેને વધુ મહત્ત્વ આપવું એ સમયની તાતી માગ છે. દરમ્યાન હાલ જે-જે ક્ષેત્રો ટ્રમ્પ ટૅરિફના આક્રમણનો સામનો કરી રહયા છે તેમને ટેકો આપવાની નીતિ આ બજેટમાં રહેશે. ગયા વરસે સરકારે જીએસટી અને આવકવેરામાં રાહતો આપીને અર્થતંત્રને બહુ મોટી કિક આપી હતી, જે દિશામાં વધુ સુતાર્કિકરણ થવું સહજ છે. સેમિક્ધડકટર, ઈલેકટ્રોનિકસ, એનર્જી, ઓટો, ઈવી અને ગતિશકિત, ફાઈનાન્સિયલ ઈન્કલુઝન (આર્થિક સર્વસમાવેશ) વગેરે સહિત ન્યુએજ ઈકોનોમીને કેન્દ્રમાં રખાશે એવું માનવા ઘણાં કારણો છે. લાંબા સમયથી અદ્ધર ક્રિપ્ટોકરન્સી માટે સકારાત્મક જાહેરાતની શકયતા પણ ખરી. 

બાય ધ વે, બજેટ વિકસિત ભારતની દિશામાં નવી આગેકૂચ હશે, તેમ છતાં યુદ્ધના માહોલમાં બજાર તેને કેવો પ્રતિભાવ આપશે એ કહેવું કઠિન છે. સમજીને આગળ વધવામાં શાણપણ રહેશે.