બીડ: માતાએ મિત્ર સાથે બહાર રમવા જવાની ના પાડતાં પંદર વર્ષના પુત્રએ કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના બીડ જિલ્લામાં બની હતી. જિલ્લાના કૈઝ વિસ્તારમાં રહેતો મૃત સગીર નવા ધોરણમાં ભણતો હતો અને તેનો મિત્ર રવિવારે સવારે 10 વાગ્યે ઘરે આવ્યો હતો અને તેને બહાર રમવા જવા માટે આગ્રહ કર્યો હતો.
જોકે સગીરની માતાએ વધતા તાપમાનને કારણે તેને ઘરમાં જ રહેવાની સલાહ આપી હતી અને સાંજે ચાર વાગ્યા બાદ રમવા જવા માટે કહ્યું હતું.
મિત્રની સામે જ માતાએ બહાર રમવા જવાની પરવાનગી ન આપતાં સગીર નિરાશ થયો હતો અને બેડરૂમમાં જઇને તેણે અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. બાદમાં તેણે પંખા સાથે રસ્સી બાંધીને ગળાફાંસો ખાધો હતો.
દરમિયાન રસોડામાં કામકાજમાં વ્યસ્ત માતાને શરૂઆતમાં કંઇ અસામાન્ય લાગ્યું નહોતું. જોકે બપોરે દોઢ વાગ્યાની આસપાસ બેડરૂમનો દરવાજો અંદરથી બંધ હોવાનું જાણવા મળ્યા બાદ તેણે તાત્કાલિક પડોશીઓને જાણ કરી હતી.
પડોશીઓએ ઘરમાં આવી બેડરૂમનો દરવાજો તોડતાં જમીન પર તૂટેલી રસ્સી સાથે સગીર બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. સગીરને તાત્કાલિક કૈજની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવારાર્થે લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેની ગંભીર હાલતને કારણે ત્યાંના મેડિકલ ઓફિસરોએ તેને 40 કિ.મી. દૂર અંબાજોગાઇની સરકારી હોસ્પિટલમાં લઇ જવાનું કહ્યું હતું. જોકે માર્ગમાં જ સગીરનું મૃત્યુ થયું હતું.
પોસ્ટમોર્ટમ બાદ સગીરના મૃતદેહને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. કૈજ પોલીસે આ ઘટના સંદર્ભે કેસ દાખલ કરીને તપાસ આદરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)