(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની નવ વર્ષ બાદ પાર પડેલી ચૂંટણી બાદ હવે મુંબઈના મેયર અને ડેપ્યુટી મેયર સહિત વૈધાનિક સમિતિઓની ચૂંટણીઓ યોજાવવાની શક્યતા હોવાથી ૨૦૨૬-૨૭ના આર્થિક વર્ષ માટેનું પાલિકાનું બજેટ મોડું પડે એવી શક્યતા ઉચ્ચ અધિકારીઓએ વ્યક્ત કરી છે. અધિકારીના જણાવ્યા મુજબ ચૂંટણીના શેડ્યુલના કારણે પાલિકાનું બજેટ સમયસર રજૂ કરવું પડકારજનક સાબિત થઈ શકે છે.
મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર પરંપરાગત રીતે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષને વાર્ષિક બજેટ રજૂ કરે છે, જે નાણાકીય નિર્ણય માટે જવાબદાર મુખ્ય સમિતિ છે. પાલિકાની ચૂંટણી તાજેતરમાં પૂર્ણ થઈ છે. મેયર તથા ડેપ્યુટી મેયરની ચૂંટણી જાન્યુઆરી અંત સુધીમાં થવાની શક્યતા છે. એ બાદ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં ચાર મહત્ત્વની સમિતિના અધ્યક્ષોની ચૂંટણી યોજાશે, તેને કારણે બજેટને પહેલા અઠવાડિયામાં રજૂ કરવું મુશ્કેલ સાબિત થઈ શકે છે.
પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ બજેટ રજૂ કરવામાં એક મહિનાનો વિલંબ કરવા માટે પાલિકાને રાજ્યના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવી પડશે. ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષ માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૭૪,૪૨૭ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં મુંબઈ કોસ્ટલ રોડ (ઉત્તર), વર્સોવા-દહિસર લિંક રોડ અને ગોરેગામ-મુલુંડ લિંક રોડ સહિત અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ફાળવણી કરવામાં આવી હતી. એ સિવાય નાગરિક સેવા, આરોગ્ય તથા શિક્ષણ માટે પણ નોંધપાત્ર રકમ ફાળવવામાં આવી હતી.
બજેટની જાહેરાતમાં વિલંબ થવાની શક્યતા પાછળ મેયરની ચૂંટણી માનવામાં આવે છે. મેયરનું પદ રોટેશન દ્વારા અનામતને આધીન રહેશે, જેનો નિર્ણય ૨૨ જાન્યુઆરી, ગુરુવારના લોટરી દ્વારા લેવામાં આવશે. જોકે પાલિકામાં સત્તા માટેનો ખરો સંઘર્ષ મેયરની ખુરશીથી ઘણો આગળ ગણાય છે. કોઈ પણ નાના રાજયના બજેટ કરતા પણ મોટું બજેટ ધરાવતી મુંબઈ મહાનગરપાલિકામાં સ્થાયી, સુધાર, શિક્ષણ અને બેસ્ટ સમિતિ જેવી મહત્વની સમિતિઓ પર નિયંત્રણ નક્કી કરશે કે કઈ રાજકીય પાર્ટી પાલિકા ચલાવે છે.
મેયરનો કાર્યકાળ અઢી વર્ષનો હોય છે જયારે વૈદ્યાનિક સમિતિના અધ્યક્ષ એક વર્ષ માટે જ હોય છે. નવી સમિતિના અધ્યક્ષો માટેની ચૂંટણી સામાન્ય રીતે પહેલી એપ્રિલના રોજ યોજવામાં આવે છે, જે નવા નાણાકીય વર્ષની શરૂઆત છે. જોકે આ પદ આ વર્ષે ફેબ્રુઆરીમાં જ ભરવામાં આવવાના હોવાથી એપ્રિલમાં તેની માટે ચૂંટણી થશે નહીં. માર્ચ ૨૦૨૨માં ચૂંટાયેલા નગરસેવકોની ટર્મ પૂરી થઈ ત્યારથી પાલિકામાં પ્રશાસક કારભાર સંભાળી રહ્યા છે.