યુરોપનું સ્કૉટલૅન્ડ અગાઉ આઠ વર્લ્ડ કપ રમી ચૂક્યું છેઃ હવે બાંગ્લાદેશનો ` આભાર' માનતું હશે
ઍબર્ડીન (સ્કૉટલૅન્ડ) : બાંગ્લાદેશે મેન્સ ટી-20 વર્લ્ડ કપ માટે પોતાના ખેલાડીઓને ભારત નહીં મોકલવાનો નિર્ણય લીધો એટલે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને ઘણા દિવસ સુધી ફેરવિચારણા કરવાનો મોકો આપ્યા પછી છેવટે બાંગ્લાદેશની ટીમને વર્લ્ડ કપમાંથી કાઢી મૂકી એનો સીધો ફાયદો યુરોપના દેશ સ્કૉટલૅન્ડને થયો છે અને હવે સ્વાભાવિક છે કે ક્રિકેટચાહકોની નજર સ્કૉટલૅન્ડના ક્રિકેટ ઇતિહાસ પર રહેશે અને એ સંદર્ભમાં જણાવી દેવાનું કે ઑસ્ટ્રેલિયાના મહાન ખેલાડી સર ડોનાલ્ડ બ્રેડમૅનનું સ્કૉટલૅન્ડ સાથે બહુ સારું કનેકશન હતું.
બ્રેડમૅનની અંતિમ સદી સ્કૉટલૅન્ડમાં
` ધ ડૉન' તરીકે ઓળખાતા સર ડોનાલ્ડ બ્રેડમૅનનો જન્મ 1908માં ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં થયો હતો. 2001માં ઍડિલેઇડમાં તેમનું 92 વર્ષની વયે નિધન થયું હતું. ક્રિકેટના ગ્રેટેસ્ટ ક્રિકેટર ડૉન બ્રેડમૅન છેલ્લી ટેસ્ટ-મૅચ ઑગસ્ટ 1948માં ઇંગ્લૅન્ડમાં રમ્યા હતા. ઇંગ્લૅન્ડના એ પ્રવાસેથી પાછા આવતી વખતે ઑસ્ટ્રેલિયાની ટીમે સ્કૉટલૅન્ડમાં થોડા દિવસ મુકામ કર્યો હતો અને એ દરમ્યાન ઑસ્ટ્રેલિયાની ટીમની સ્કૉટલૅન્ડ સામે બે-બે દિવસવાળી બે આંતરરાષ્ટ્રીય મૅચ રાખવામાં આવી હતી. એમાંની બીજી અને છેલ્લી મૅચ બ્રેડમૅનની છેલ્લી આંતરરાષ્ટ્રીય મૅચ બની હતી. એ મૅચમાં બ્રેડમૅને 89 મિનિટ સુધી ક્રીઝ પર રહીને બે છગ્ગા તથા 17 ચોગ્ગાની મદદથી 123 રન બનાવ્યા હતા અને આઉટ નહોતા થયા. બ્રેડમૅનની એ આખરી ઇન્ટરનૅશનલ મૅચ હતી જેમાં તેમણે અણનમ સેન્ચુરીથી ઑસ્ટ્રેલિયાને જિતાડ્યું હતું. ઑસ્ટ્રેલિયાએ એ મૅચમાં બ્રેડમૅનની અંતિમ સદીની મદદથી સ્કૉટલૅન્ડને એક દાવ અને 87 રનથી હરાવ્યું હતું. 1954માં સ્કૉટલૅન્ડના ક્રિકેટરોએ પાકિસ્તાનનો અને 1955માં ભારતનો પ્રવાસ કર્યો હતો.
સ્કૉટલૅન્ડમાં પ્રથમ મૅચ 1785માં રમાઈ
સ્કૉટલૅન્ડની ટીમ ઘણી આંતરરાષ્ટ્રીય મૅચો રમી ચૂક્યું છે, પરંતુ નવાઈ પમાડનારી એક વાત એ છે કે સ્કૉટલૅન્ડમાં સૌથી પહેલી ક્રિકેટ મૅચ 1785ની સાલમાં ઍલોઆમાં રમાઈ હતી. 1865માં સ્કૉટલૅન્ડની પહેલી પૂર્ણ ક્રિકેટ મૅચ ઇંગ્લૅન્ડની સરે કાઉન્ટી સામે રમાઈ હતી જેમાં સ્કૉટલૅન્ડનો 172 રનથી વિજય થયો હતો. 1879માં સ્કૉટિશ ક્રિકેટ યુનિયનની સ્થાપના થઈ હતી અને 1882માં સ્કૉટલૅન્ડની રાષ્ટ્રીય ટીમે ઑસ્ટ્રેલિયાને સાત વિકેટે હરાવી દીધું હતું.
સ્કૉટલૅન્ડ કયા વર્લ્ડ કપ રમ્યું છે?
સ્કૉટલૅન્ડ માટે મેન્સ વર્લ્ડ કપ કોઈ નવી વાત નથી. યુરોપનો આ દેશ કુલ આઠ વિશ્વ કપમાં રમી ચૂક્યું છે. સ્કૉટલૅન્ડ 1999, 2007 અને 2015માં વન-ડે વર્લ્ડ કપમાં રમ્યું હતું. સ્કૉટલૅન્ડને ટી-20 વર્લ્ડ કપનો પણ બહુ સારો અનુભવ છે. સ્કૉટિશો 2007, 2009, 2016, 2021 અને 2022ના ટી-20 વર્લ્ડ કપમાં રમ્યા હતા. આ વખતે સ્કૉટલેન્ડને ટી-20 વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય નહોતું થયું, પણ બાંગ્લાદેશ (Bangladesh)ની હકાલપટ્ટી થતાં એને વર્લ્ડ કપમાં પ્રવેશવા મળી ગયું છે.
સ્કૉટલૅન્ડની ભારતમાં મૅચો ક્યારે અને ક્યાં?
(1) 7 ફેબ્રુઆરી, 2026ઃ કોલકાતામાં વેસ્ટ ઇન્ડિઝ સામે
(2) 9 ફેબ્રુઆરી, 2026ઃ કોલકાતામાં ઇટલી સામે
(3) 14 ફેબ્રુઆરી, 2026ઃ કોલકાતામાં ઇંગ્લૅન્ડ સામે
(4) 17 ફેબ્રુઆરી, 2026ઃ મુંબઈમાં નેપાળ સામે