નવસારી: ગુજરાતમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહેલા તત્વો સામે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ લાલ આંખ કરી છે. દક્ષિણ ગુજરાતના નવસારીમાંથી એક શંકાસ્પદ શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જે પ્રતિબંધિત આતંકી સંગઠનોના સંપર્કમાં હોવાનું બહાર આવ્યું છે. સુરક્ષા એજન્સીઓના સતર્ક નેટવર્કને કારણે આ મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, જેણે રાજ્યમાં સંભવિત હિંસા અથવા ટાર્ગેટ કિલિંગના ખતરાને સમયસર ટાળી દીધો છે.
નવસારી એસઓજી અને સ્થાનિક પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ફેઝાન શેખ નામના યુવકને દબોચી લેવામાં આવ્યો છે. એટીએસના ડીજી સુનીલ જોશીએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે ફેઝાન મૂળ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાનો વતની છે અને છેલ્લા ચાર વર્ષથી નવસારીમાં રહેતો હતો. તેની પાસેથી એક પિસ્તોલ અને 6 જીવતા કારતુસ મળી આવ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવા સંગઠનોની ઉગ્રવાદી વિચારધારાથી પ્રભાવિત હતો.
તપાસ દરમિયાન એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે ફેઝાન ટેલિગ્રામની અનેક ચેનલો દ્વારા આતંકી મોડ્યુલ સાથે જોડાયેલો હતો. તે સોશિયલ મીડિયા પર નફરત ફેલાવતા મેસેજ લખતો હતો. એટીએસને તેની પાસેથી કેટલાક લોકોના નામ અને ફોટા મળી આવ્યા છે, જેમને તે નિશાન બનાવવાની ફિરાકમાં હતો. ફેઝાનના નિશાના પર એવા લોકો હતા જેઓ ધાર્મિક બાબતો પર વિવાદિત ટિપ્પણી કરતા હતા. તેણે કબૂલાત કરી છે કે તે એક મહિના પહેલા જ ઉત્તર પ્રદેશથી 30 હજાર રૂપિયામાં આ હથિયાર ખરીદીને લાવ્યો હતો.
આ ધરપકડ બાદ એટીએસ હવે ફેઝાનના આખા નેટવર્કને શોધી રહી છે. આ કોઈ વ્યવસ્થિત આતંકી મોડ્યુલનો ભાગ હોવાની આશંકા છે, જે રાજ્યમાં મોટી આફત સર્જવા માંગતું હતું. સુરક્ષા એજન્સીઓએ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સર્વેલન્સ વધારી દીધું છે અને ફેઝાનના સંપર્કમાં રહેલા અન્ય લોકોની શોધખોળ તેજ કરી છે. હાલમાં તેની આકરી પૂછપરછ ચાલી રહી છે, જેનાથી આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.