બોલીવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકર તેમના અભિનયની સાથે સાથે શિસ્ત અને સમયપાલન માટે પણ જાણીતા છે. તાજેતરમાં મુંબઈમાં તેમની આગામી ફિલ્મ ‘ઓ રોમિયો’ ના ટ્રેલર લોન્ચ દરમિયાન એક એવી ઘટના ઘટી જેણે સૌને ચોંકાવી દીધા. 75 વર્ષીય અભિનેતા એક કલાક સુધી રાહ જોયા બાદ ગુસ્સામાં ઈવેન્ટ છોડીને રવાના થઈ ગયા હતા.
બુધવારે મુંબઈના એક મલ્ટિપ્લેક્સમાં સાજિદ નડિયાદવાલાની ફિલ્મ ‘ઓ રોમિયો’નું ટ્રેલર લોન્ચ રાખવામાં આવ્યું હતું. નાના પાટેકર તેમના શિસ્તબદ્ધ સ્વભાવ મુજબ બપોરે બરાબર 12 વાગ્યે સ્થળ પર પહોંચી ગયા હતા. પરંતુ ફિલ્મની બાકીની સ્ટારકાસ્ટ સમયસર ન પહોંચતા નાના પાટેકરનો પિત્તો ગયો હતો.
નાના પાટેકરે હોલમાં લગભગ એક કલાક સુધી રાહ જોઈ પણ જ્યારે ઈવેન્ટ શરૂ થવાના કોઈ એંધાણ ન દેખાયા, ત્યારે તેઓ નારાજ થઈને ઓડિટોરિયમની બહાર નીકળી ગયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આયોજકો તેમને રોકવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ નાના પોતાની ઘડિયાળ તરફ ઈશારો કરીને કહી રહ્યા છે કે સમયનું સન્માન કરવામાં આવ્યું નથી. તેઓ લિફ્ટ પાસે પણ આયોજકોને ‘ના’ કહીને ત્યાંથી રવાના થઈ ગયા હતા.
નાના પાટેકરના ગયા પછી ટ્રેલર લોન્ચ શરૂ થયું હતું. ફિલ્મના નિર્દેશક વિશાલ ભારદ્વાજે મીડિયા સમક્ષ આ બાબતે સ્પષ્ટતાં કરતાં જણાવ્યું હતું કે નાનાએ જતી વખતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું, તમે લોકોએ મને એક કલાક સુધી રાહ જોવડાવી, પણ હવે હું જઈ રહ્યો છું.
વિશાલ ભારદ્વાજે એવું પણ જણાવ્યું હતું કે તેમને નાનાની આવા વર્તનથી જરાય ખરાબ નથી લાગ્યું. વિશાલ ભારદ્વાજે માહોલ હળવો કરતા નાનાને 'શાળાના તોફાની બાળક' સાથે સરખાવ્યા હતા. વિશાલ ભારદ્વાજે જણાવ્યું હતું કે નાના એ ક્લાસના સૌથી તોફાની બાળક જેવા છે કે જે ક્લાસમાં બધાને હેરાન પણ કરે અને સૌથી વધુ મનોરંજન પણ પૂરું પાડે છે.
રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર, ફિલ્મના મુખ્ય કલાકારો શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરી બપોરે આશરે દોઢેક વાગ્યે ઈવેન્ટના વેન્યુ પર પહોંચ્યા હતા. એટલે કે નાના પાટેકર ત્યાંથી ગયા તેના અડધા કલાક પછી તેઓ આવ્યા હતા. સમયની આ અનિયમિતતાને કારણે નાના પાટેકર જેવા સિનિયર એક્ટરે ટ્રેલર લોન્ચની ઈવેન્ટમાં અધવચ્ચેથી જ નીકળી જવાનું મુનાસિબ માન્યું હતું.
વાત કરીએ ફિલ્મ ઓ રોમિયોની સ્ટાર કાસ્ટ વિશે તો તેમાં શાહિદ કપૂર, તૃપ્તિ ડિમરી, નાના પાટેકર, અવિનાશ તિવારી, દિશા પટણી, ફરિદા જલાલ, અરુણા ઈરાની અને વિક્રાંત મેસી જેવા કલાકારો જોવા મળશે. આ સિવાય તમન્ના ભાટિયા સ્પેશિયલ એપિયરન્સમાં જોવા મળશે. આ ફિલ્મ એક સત્ય ઘટનાઓ પર આધારિત રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ છે, જે 13મી ફેબ્રુઆરી, 2026ના થિયેટરમાં રીલિઝ થશે.