(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયો 30 પૈસા સુધી મજબૂત થયા બાદ ખાસ કરીને વૈશ્વિક બજારોના જોખમો સપાટી પર આવવાની સાથે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં રૂપિયો 92ની ઐતિહાસિક નીચી સપાટી સુધી ગબડ્યો હતો અને સત્રના અંતે ગઈકાલના બંધ સામે 32 પૈસાના ઘટાડા સાથે 92ની સપાટીની લગોલગ નવી નીચી 91.90ની સપાટીએ બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 91.88ના બંધ સામે મજબૂત અન્ડરટોને 91.45ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં 91.41 અને નીચામાં 92ની સપાટી સુધી ગબડ્યા બાદ અંતે 32 પૈસાના ઘટાડા સાથે 91.90ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વે ગત 21મી જાન્યુઆરીના રોજ ડૉલર સામે રૂપિયો 68 પૈસાના કડાકા સાથે 91.65ની વિક્રમ સપાટીએ બંધ રહ્યો હતો.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર સ્થાનિકમાં વિદેશી ફંડોની અવિરત વેચવાલી રહેતાં આ મહિનામાં અત્યાર સુધીમાં ડૉલર સામે રૂપિયામાં 200 પૈસાનું અથવા તો બે ટકાનું ધોવાણ થઈ ગયું છે. હાલના તબક્કે વૈશ્વિક બજારોમાં જોખમી પરિબળોમાં વધારો થવાની સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ જળવાઈ રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને રિઝર્વ બૅન્કનો બજારમાં હસ્તક્ષેપ રૂપિયામાં ધોવાણ મર્યાદિત રાખી શકે છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.01 ટકા વધીને 98.36 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 1.03 ટકા વધીને બેરલદીઠ 64.72 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક સ્તરે પણ બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 769.97 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 241.25 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2549.80 કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં રૂપિયામાં ઑલ ફૉલ ડાઉન જોવા મળ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.