ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર મળ્યા છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ, વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાઓ આગામી તા. ૦૫/૦૨/૨૦૨૬થી શરૂ થવા જઈ રહી છે. આ પરીક્ષા માટેના પ્રવેશપત્ર આજે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે, જે શાળાઓએ ડાઉનલોડ કરવાના રહેશે.
કઇ રીતે ડાઉનલોડ કરશો હોલટિકીટ
શાળાઓએ બોર્ડની વેબસાઇટ gseb.org અથવા gsebht.in પર જઈને શાળાનો ઇન્ડેક્ષ નંબર અને નોંધાયેલ મોબાઇલ નંબર કે ઇમેઇલ આઇડી દ્વારા લોગિન કરીને હોલટિકીટ ડાઉનલોડ કરવાની રહેશે. ડાઉનલોડ કર્યા બાદ પ્રવેશપત્રમાં પરીક્ષાર્થીના વિષયો અને માધ્યમની ચકાસણી કરી, તેમાં વિદ્યાર્થી, વર્ગ શિક્ષક અને આચાર્યના સહી-સિક્કા કરીને નિર્ધારિત સમયમર્યાદામાં વિદ્યાર્થીઓને વિતરણ કરવાનું રહેશે. આ સાથે જ હોલટિકીટ મેળવ્યા બદલ વિદ્યાર્થીની સહી વિતરણ યાદીમાં લેવાની સૂચના પણ આપવામાં આવી છે.
જો કોઈ વિદ્યાર્થીના પ્રવેશપત્રમાં વિષય, માધ્યમ કે અન્ય કોઈ વિગતોમાં ભૂલ અથવા વિસંગતતા જણાય, તો શાળાના આચાર્યએ જરૂરી આધારો સાથે ગાંધીનગર સ્થિત બોર્ડની કચેરીની વિજ્ઞાન પ્રવાહ (ક) શાખાનો રૂબરૂમાં સંપર્ક કરવાનો રહેશે. તમામ શાળાઓએ આ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરી વિદ્યાર્થીઓને પરીક્ષા માટે તૈયાર રહેવા માર્ગદર્શન આપવાનું રહેશે જેથી પ્રાયોગિક પરીક્ષા દરમિયાન કોઈ અડચણ ઊભી ન થાય.