મુંબઈ: આજકાલ સિનેમાપ્રેમીઓ માટે થિયેટર જવાની ઝંઝટ વિના ઘરે બેઠા મનોરંજન મેળવવાનો ક્રેઝ વધ્યો છે. દર શુક્રવારથી રવિવાર વચ્ચે ઓટીટી પ્લેટફોર્મ્સ પર અનેક નવી ફિલ્મો અને વેબ સિરીઝનો ખજાનો ખૂલે છે. જો તમે પણ આ વીકેન્ડ પર કોઈ હળવી અને દિલને સ્પર્શી જાય તેવી વાર્તા જોવા માંગતા હોવ તો એક શાનદાર ફેમિલી ડ્રામા ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર દસ્તક આપી ચૂકી છે. આ ફિલ્મ ખાસ કરીને નવી પેઢી અને સંસ્કારો વચ્ચેના સંતુલનને સુંદર રીતે રજૂ કરે છે.
બોલીવુડના સુપરસ્ટાર વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવને જે ફિલ્મથી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું, તે 'બિન્ની એન્ડ ફેમિલી' (Binny And Family) હવે એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે. સપ્ટેમ્બર 2024માં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. સંજય ત્રિપાઠીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ હવે ડિજિટલ ઓડિયન્સ માટે ઉપલબ્ધ છે, જે પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવો શ્રેષ્ઠ વિકલ્પ છે.
આ ફિલ્મની સ્ટોરી લંડનમાં રહેતી આધુનિક વિચારધારા ધરાવતી છોકરી બિન્ની (અંજિની ધવન)ની આસપાસ ફરે છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે તેના પરંપરાગત અને રૂઢિચુસ્ત વિચારો ધરાવતા દાદા-દાદી લંડન રહેવા આવે છે. જનરેશન ગેપના કારણે બિન્ની અને તેના દાદા-દાદી વચ્ચેના વિચારોના સંઘર્ષ અને ત્યાર બાદ પ્રેમમાં બદલાતા સંબંધોને ફિલ્મમાં ખૂબ જ ભાવનાત્મક રીતે વણી લેવામાં આવ્યા છે.
'બિન્ની એન્ડ ફેમિલી' માત્ર એક મનોરંજક મૂવી નથી, પરંતુ તે આજના સમયમાં ફેમિલી વેલ્યુઝને સમજાવે છે. લંડન જેવા મેટ્રો સિટીમાં રહેતી વખતે પણ કેવી રીતે પોતાના મૂળ અને લાગણીઓને સાચવી શકાય, તે આ ફિલ્મનું મુખ્ય પાસું છે. પંકજ કપૂર જેવા દિગ્ગજ કલાકારની અદભૂત એક્ટિંગ અને અંજિનીનો ફ્રેશ લુક આ ફિલ્મને ચોક્કસ જોવા જેવી બનાવે છે. જો તમે પણ જનરેશન ગેપ અને ફેમિલી બોન્ડિંગના શોખીન હોવ તો આ ફિલ્મ મિસ કરવા જેવી નથી.