મુંબઈ: શિવસેના (ઠાકરે) પક્ષના વિધાનસભ્ય દિલીપ સોપલે સોલાપુરના બાર્શી માટે મહાગઠબંધન બનાવ્યું છે અને તેમાં એકનાથ શિંદેની શિવસેનાનો પણ સમાવેશ કર્યો છે.
બંને શિવસેનાએ સોલાપુરના બાર્શી તાલુકામાં જિલ્લા પરિષદની ચૂંટણી માટે ગઠબંધન બનાવ્યું છે.
રાજ ઠાકરેએ તાજેતરમાં કહ્યું હતું કે રાજ્યમાં હાલનું રાજકારણ એક દુ:સ્વપ્ન છે. રાજ્યમાં કયો પક્ષ કોની સાથે ગઠબંધન કરી રહ્યો છે તેનો કોઈ સંકેત નથી. ભાજપ અને એમઆઈએમ પણ ગઠબંધન બનાવતા જોવા મળ્યા છે. જ્યારે અંબરનાથમાં ભાજપ અને કોંગ્રેસ એકસાથે આવતા જોવા મળ્યા હતા. જ્યારે પુણેમાં બંને રાષ્ટ્રવાદીઓએ ગઠબંધન બનાવ્યું હતું. હવે સોલાપુરના બાર્શીમાં બંને શિવસેના એકસાથે આવતી જોવા મળી રહી છે. આના કારણે રાજ્યના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ હોય તેવું લાગે છે.
સોલાપુરના બાર્શી તાલુકામાં જિલ્લા પરિષદની ચૂંટણી માટે એકનાથ શિંદેની શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ ગઠબંધન બનાવ્યું છે. જોકે, શિવસેના (ઠાકરે)ના નેતા સંજય રાઉતે કહ્યું છે કે તેમને આ અંગે કોઈ માહિતી નથી.
જ્યારે સંજય રાઉત પાસેથી આ અંગે પુછવાનો પ્રયાસ કર્યો. ત્યારે તેમણે કહ્યું હતું કે ‘અમને માહિતી મળી છે કે બાર્શી તાલુકાના તમામ પક્ષો ભાજપ વિરુદ્ધ એકઠા થયા છે. અમારા પક્ષના વડાઓને પણ બાર્શીમાં થયેલા સમગ્ર વિકાસની જાણ નથી. અમે માહિતી એકત્રિત કરી રહ્યા છીએ.’
શિવસેના (ઠાકરે)ના વિધાનસભ્ય દિલીપ સોપલે તેમના સોશિયલ મીડિયા પર એવી જાહેરાત કરી છે કે જિલ્લા પરિષદની ચૂંટણી માટે મહાગઠબંધન થયું છે. સોપલે આજે નિર્ધાર મેળાનું આયોજન કર્યું છે, જેમાં એક પોસ્ટ કરી છે જેમાં લખ્યું છે કે, જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણી માટે, બાર્શી તાલુકામાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ ચંદ્ર પવાર) અને મિત્ર પક્ષ દ્વારા એક ‘મહા-અઘાડી’ બનાવવામાં આવી છે અને આ માધ્યમથી ચૂંટણી લડવામાં આવશે.
સભાની પત્રિકામાં શિવસેનાના ધનુષ્ય અને તીરનું પ્રતીક અને ઉદ્ધવ ઠાકરેની મશાલ એકસાથે જોવા મળે છે. ઉપરાંત, ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે, શરદ પવાર અને અજિત પવારના ફોટા પણ એકસાથે જોવા મળે છે.
પરભણીના શિવસેના (ઠાકરે) સાંસદ સંજય જાધવે પણ પવાર પરિવારનું ઉદાહરણ આપીને શિવસેનાના બંને પક્ષોને સાથે આવવા અપીલ કરી હતી.
જોકે આ બધા વચ્ચે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આવી કોઈ યુતિ કરવામાં આવી હોવાનું નકારી કાઢતાં કહ્યું હતું કે રાજ્યની જિલ્લા પરિષદની ચૂંટણીઓમાં મહાયુતિ એકસાથે જ રહેશે.
Dilip Sopal