અજય મોતીવાલા
વન-ડે અને ટી-20માં ભારતના પુરુષોની ટીમ હાલમાં વર્લ્ડ નંબર-વન છે, પરંતુ એકંદરે ટીમ ઇન્ડિયાની સ્થિતિ આ સર્વોચ્ચ સ્થાનને શોભે એવી સંગીન નથી. નવાઈની સાથે આંચકો લાગે એવી આ વાત છે, પણ આ લેખમાં આપણે આગળ જતાં જાણીશું કે કેમ આપણે ઑસ્ટે્રલિયાની જેમ મજબૂત ટીમ ડેવલપ નથી કરી શકતા.
સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં બુધવારે નાગપુરમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂ ઝીલૅન્ડ સામે સિરીઝની પ્રથમ ટી-20માં 48 રનથી શાનદાર જીત મેળવી. આપણને ઓપનર અભિષેક શર્માની 84 રનની ધમાકેદાર ઇનિંગ્સ જોવા મળી, કૅપ્ટન સૂર્યકુમાર 32 રન સાથે થોડો ફૉર્મમાં આવતો જોવા મળ્યો, હાર્દિક પંડ્યાએ પચીસ રન બનાવીને દમદાર બૅટિંગની થોડી ઝલક દેખાડી અને રિન્કુ સિંહે અણનમ 44 રન બનાવીને ડેથ ઓવર્સમાં પોતાની જેવી તાકાત (ઓછામાં ઓછી આ સૌથી ટૂંકી ફૉર્મેટમાં) બીજા કોઈની નથી એ પુરવાર કર્યું.
ત્યાર બાદ બોલિંગમાં પણ કેટલાક સિતારા ઝળક્યા. લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે બીજા જ બૉલમાં ડેન્જરસ ઓપનર ડેવૉન કૉન્વેને પૅવિલિયન ભેગો કરી દીધો અને ત્યાર બાદ હાર્દિક, ટી-20ના વર્લ્ડ નંબર-વન બોલર વરુણ ચક્રવર્તી અને શિવમ દુબે તેમ જ આપણા પટેલ પાવરફુલ વાઇસ-કૅપ્ટન અક્ષર પટેલે પણ વિકેટ લઈને ટીમ ઇન્ડિયાના પર્ફોર્મન્સને સંપૂર્ણપણે ઑલરાઉન્ડ બનાવી દીધો. કૅચિંગ અને ફીલ્ડિંગનો પણ ટીમને સપોર્ટ મળ્યો એટલે શરણાગતિ સ્વીકારવા સિવાય કિવીઓ પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.
એ દિવસ તો ભારતીય ક્રિકેટરો માટે સુખરૂપ પસાર થઈ ગયો. બધુ સારું-સારું થયું, પરંતુ એકંદરે ટીમ ઇન્ડિયાની હાલત તંદુરસ્ત નથી. ટેસ્ટ અને વન-ડેનો કૅપ્ટન શુભમન ગિલ ફૉર્મમાં નથી. ગુરુવારે રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામેના મુકાબલાના પહેલા દિવસે શૂન્યમાં આઉટ થઈ ગયો હતો. ટી-20નો સુકાની સૂર્યકુમાર યાદવ પણ બુધવારે મહામહેનતે થોડો ફૉર્મમાં આવ્યો હતો.
તેના સુકાનમાં ટી-20 ટીમ જીતી રહી છે, પણ ખુદ સૂર્યકુમારને હાફ સેન્ચુરી સવા વર્ષથી (23 ઇનિંગ્સથી) હાથતાળી આપી રહી છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા બબ્બે દિગ્ગજની હાજરીમાં રવિવારે ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતનો વન-ડે શ્રેણીમાં પરાભવ થયો હતો અને કિવીઓ પહેલી જ વાર ભારતની ધરતી પર ટેસ્ટ પછી હવે વન-ડે સિરીઝ પણ જીતવામાં સફળ થયા.
ભારત પાસે ઘણા ફાસ્ટ બોલર્સ છે, પણ મોટા ભાગના બોલર સતતપણે ટીમમાં (ટેસ્ટ, વન-ડે હોય કે પછી ટી-20) સ્થાન નથી જાળવી શકતા. જસપ્રીત બુમરાહ વર્કલૉડ મૅનેજમેન્ટ હેઠળ છે અને દરેક સિરીઝ નથી રમતો. બીજું, છેલ્લી 10 મૅચની ચાર ઇનિંગ્સ એવી હતી જેમાં તેને એક પણ વિકેટ નહોતી મળી. બુમરાહ પછીનો બેસ્ટ ફાસ્ટ બોલર ગણાતો મોહમ્મદ શમી ફુલ્લી ફિટનેસનું સર્ટિફિકેટ નથી આપી શકતો એટલે તેને ફરી રમવા નથી મળી રહ્યું. તે ડોમેસ્ટિક મૅચોમાં થોકબંધ વિકેટો લઈ રહ્યો છે, પણ આંતરરાષ્ટ્રીય ટીમમાં હજી પણ તેના માટે નો-એન્ટ્રી છે.
અર્શદીપ સિંહને ટી-20 સ્પેશ્યાલિસ્ટ ગણવામાં આવી રહ્યો છે. વન-ડેમાં ભાગ્યે જ તેને રમવા મળે છે અને ટેસ્ટની ટીમમાં હજી તેને ડેબ્યૂ પણ નથી કરવા મળ્યું. હર્ષિત રાણા અને પ્રસિદ્ધ ક્રિષ્ના પણ ટીમ ઇન્ડિયામાં સતતપણે સ્થાન નથી જાળવી શકતા. મોહમ્મદ સિરાજને પોણાબે વર્ષથી ટી-20 ઇન્ટરનૅશનલ નથી રમવા મળી. આકાશ દીપને ભારત વતી ફક્ત ટેસ્ટ ફૉર્મેટમાં રમવા મળ્યું છે એટલે વન-ડે અને ટી-20ના માહોલમાં તે ભુલાઈ જ ગયો છે.
મુકેશ કુમાર યાદ છેને? મૂળ બિહારના એ પેસ બોલરને દોઢ વર્ષથી ભારત વતી ફરી રમવા નથી મળ્યું. આકાશ અને મુકેશ, બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેન્ટ્રલ કૉન્ટૅ્રક્ટના સી-ગ્રેડમાં છે અને દર વર્ષે એક કરોડ રૂપિયાનો પગાર મેળવે છે, પરંતુ ટીમ ઇન્ડિયામાં સતતપણે નથી જોવા મળતા.
સ્પિનર્સનું પણ એવું જ છે. રવીન્દ્ર જાડેજા ટી-20માંથી નિવૃત્ત થઈ ગયો છે અને ટેસ્ટ તથા વન-ડેમાં હાલમાં બૅટિંગ અને બોલિંગ બન્નેમાં ફૉર્મ ગુમાવી બેઠો છે. વરુણ ચક્રવર્તી ટી-20ના રૅન્કિંગમાં વર્લ્ડ નંબર-વન છે, પણ વન-ડે એક વર્ષથી નથી રમવા મળી અને ટેસ્ટમાં હજી તેને ડેબ્યૂ પણ નથી કરવા મળ્યું. મહાન ક્રિકેટર સુનીલ ગાવસકરના મતે વરુણ સ્પિન બોલિંગનો જાદુગર છે એમ છતાં આ બોલર આપણને ક્યારેક જ જોવા મળે છે.
વૉશિંગ્ટન સુંદરની ગણના સ્પિન-ઑલરાઉન્ડર તરીકે થાય છે અને ઈજાને કારણે થોડા-થોડા સમયે ટીમની બહાર રહેતો હોય છે અથવા તો બીજા સ્પિનર્સ સાથેની સ્પર્ધાને કારણે સતતપણે ટીમમાં નથી જોવા મળતો. રવિ બિશ્નોઈ તો હવે આઇપીએલમાં અને રણજી ટ્રોફી સહિતની ડોમેસ્ટિક મૅચો પુરતો જ સીમિત રહી ગયો છે.
મંગળવારે જીવનના 32 વર્ષ પૂરાં કરનાર અક્ષર પટેલ ટી-20માં વાઇસ-કૅપ્ટન છે, પરંતુ ટેસ્ટ અને વન-ડેની ટીમમાં તે હશે જ એ નક્કી ન કહી શકાય. કુલદીપ યાદવ ત્રણેય ફૉર્મેટનો સ્પિનર છે એમ છતાં તે ક્યારેક અસ્સલ ટચ ગુમાવી બેસતો હોય છે. તેનો જૂનો જોડીદાર યુઝવેન્દ્ર ચહલ તો સિલેક્ટરોને જાણે ભુલાઈ જ ગયો છે.
હવે બૅટ્સમેનો અને વિકેટકીપર્સની વાત પર આવીએ. આપણી પાસે ઓપનર્સ અને મિડલ-ઑર્ડર્સ તો ઘણા છે, પણ એકમાત્ર અભિષેક શર્માને બાદ કરતા બીજો કોઈ પણ ઓપનર પોતાનું સ્થાન સાચવી શક્તો નથી. વન-ડેમાં કૅપ્ટન શુભમન ગિલની સાથે ઓપનિંગમાં રોહિત શર્મા રમતો હોય છે. જોકે ગિલ સતત સારું નથી રમી શકતો અને માત્ર રોહિત પર દાવની સારી શરૂઆતનો ભાર રહેતો હોય છે જેમાં તે ખરા સમયે નિષ્ફળ જતો હોય છે.
ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ અને કે. એલ. રાહુલ ઇનિંગ્સની શરૂઆત કરતા હોય છે અને ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકા સામે તેઓ સારો આરંભ નહોતા કરી શક્યા જેનો સીધો ફાયદો ટેમ્બા બવુમાની ટીમને થયો હતો અને સાઉથ આફ્રિકા પહેલી જ વખત ભારતની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહ્યું હતું.
ભારત પાસે વિકેટકીપર્સની લાંબી ફોજ (રિષભ પંત, કે. એલ. રાહુલ, સંજુ સૅમસન, ધ્રુવ જુરેલ, ઇશાન કિશન વગેરે) છે. એમાં રાહુલને બાદ કરતા બીજો કોઈ પણ વિકેટકીપર સતતપણે સારી બૅટિંગ નથી કરી શકતો. મિડલ-ઑર્ડરમાં વિરાટ કોહલી વન-ડેમાંથી પણ વિદાય લેશે ત્યારે મોટો ખાલીપો સર્જાશે. શ્રેયસ ઐયર ટૅલન્ટેડ બૅટ્સમૅન છે, પણ તીવ્ર સ્પર્ધાને કારણે તે ટીમમાં સ્થાન જાળવી નથી શક્તો અને સ્ક્વૉડમાં સામેલ હોય તો પ્લેઇંગ-ઇલેવનમાં દર વખતે સિલેક્ટ નથી થતો.
ગયા વર્ષે ટી-20 એશિયા કપમાં પાકિસ્તાન સામેની ફાઇનલમાં ભારતને જિતાડનાર તિલક વર્મા હાલમાં અંડકોષની સર્જરીને કારણે ટીમની બહાર છે. જોકે તેના પુનરાગમનથી બૅટિંગ હરોળમાં સ્પર્ધા ફરી વધી જશે. શિવમ દુબે ઍવરેજ ખેલાડી હોવા છતાં બીજા ઑલરાઉન્ડર્સને બાજુ પર રાખીને તેને વર્ષ દરમ્યાન મોટા ભાગની મર્યાદિત ઓવર્સની મૅચોમાં રમવા મળે છે. નીતીશ કુમાર રેડ્ડી પણ નસીબનો બળિયો છે. તેની બોલિંગ દમ વિનાની હોય છે, જ્યારે બૅટિંગમાં ક્લિક નથી થતો એટલે ટીમ માટે બોજ બની જાય છે.
આશા રાખીએ આવતા મહિનાનો ટી-20 વર્લ્ડ કપ અને 2027નો વન-ડે વિશ્વ કપ ભારતીય ટીમને વધુ સુદૃઢ બનાવશે કે જેથી સાઉથ આફ્રિકા અને ન્યૂ ઝીલૅન્ડ સામે ઘરઆંગણે નામોશી જોઈ એવું ફરી ક્યારેય ન બને. આઇપીએલ દર વર્ષે આપણને નવા ટૅલન્ટેડ ખેલાડીઓ આપે છે છતાં આપણે ઑસ્ટે્રલિયાની જેમ વિજયની ખાતરી અપાવી શકે એવી શક્તિશાળી ટીમ મેદાન પર નથી ઉતારી શકતા.