Tue Jan 27 2026

Logo

White Logo

રૂપિયા 1293 કરોડના ખર્ચે મુંબઈમાં અહીં બનશે કેબલ-સ્ટેડ બ્રિજ; 75 મિનિટનો પ્રવાસ પૂરો થશે માત્ર 25 મિનિટમાં...

5 hours ago
Author: Darshana Visaria
Video

મુંબઈઃ મુંબઈના અત્યંત મહત્વાકાંક્ષી અને વાહનવ્યવહારની દ્રષ્ટિએ ગેમ ચેન્જર ગણાતા ગોરેગાંવ-મુલુન્ડ લિંક રોડ પ્રોજેક્ટની કામગીરી હવે તેના અંતિમ અને નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. મુંબઈ મહાનગર પાલિકાએ આ ચોથા તબક્કાના કામ માટે અંદાજે 1,293 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું છે, જે અંતર્ગત નાહુરથી ઐરોલી વચ્ચે 1.33 કિલોમીટર લાંબો ફ્લાય ઓવર તૈયાર કરવામાં આવશે. આ ફ્લાય ઓવર તૈયાર થયા બાદ બાદ મુંબઈના પૂર્વ અને પશ્ચિમ ઉપનગર વચ્ચેનો ટ્રાવેલ ટાઈમ ઘટી જશે. 

રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આ પ્રોજેક્ટને કારણે હાલમાં મુંબઈના પૂર્વ અને પશ્ચિમ ઉપનગરો વચ્ચેના પ્રવાસ માટે જે 75 મિનિટનો સમય લાગે છે. આ નવા ફ્લાયઓવરને કારણે પ્રવાસનો સમય ઘટીને માત્ર 25 મિનિટ જેટલો થઈ જશે. 14,000 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આ 12.2 કિલોમીટર લાંબો રોડ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સાથે સીધો કનેક્ટ કરશે. 

વાત કરીએ આ પ્રોજેક્ટના ચોથા તબક્કાની સૌથી મોટી વિશેષતા વિશે તો આ પ્રોજેક્ટમાં ચાર અત્યાધુનિક ઈન્ટરચેન્જ તૈયાર કરવામાં આવશે. આ ઈન્ટરચેન્જમાં થાણે-નાહુર, ઐરોલી-થાણે, મુંબઈ-ઐરોલી અને સાઉથ મુંબઈ-ઐરોલીનો સમાવેશ થાય છે. આને કારણે વાહનચાલકોને સંપૂર્ણપણે સિગ્નલ-મુક્ત કનેક્ટિવિટી પ્રાપ્ત થશે. 

નહુરથી ઐરોલી વચ્ચે બનનારો આ ફ્લાયઓવર કેબલ-સ્ટેડ ટેકનોલોજી પર આધારિત હશે, જે સ્થાપત્યની દ્રષ્ટિએ પણ એકદમ આકર્ષક હશે. આ બ્રિજને કારણે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના જંકશન પર થતી ટ્રાફિકની સમસ્યામાં મોટો ઘટાડો થશે અને થાણે તેમ જ નવી મુંબઈ તરફ જનારા વાહનચાલકો રાહતનો શ્વાલ લઈ શકશે. 

આખા પ્રોજેક્ટ વિશે જણાવવાનું થાય તો તેને ચાર અલગ-અલગ તબક્કામાં વહેંચવામાં આવ્યો છે. પહેલાં તબક્કામાં દિંડોશી કોર્ટથી સંજય ગાંધી નેશનલ પાર્ક સુધીનો 1.2 કિલોમીટરનો ફ્લાયઓવર તૈયાર થઈ રહ્યો છે, જે 2026ના મધ્ય સુધીમાં કાર્યરત થવાની શક્યતા છે. બીજા તબક્કામાં રોડ એક્સપાન્શનની કામગિરી, ત્રીજા તબક્કામાં ફિલ્મ સિટીની અંદર 4.7 કિલોમીટર લાંબી અત્યાધુનિક ટ્વિન ટનલ બનાવવામાં આવશે. 

ફિલ્મ સિટીની અંદર આ ટનલ માટે ખાસ બોર્ડિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે જેથી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર સંજય ગાંધી નેશનલ પાર્ક નીચેથી રસ્તો પસાર થઈ શકે. ચોથા અને અંતિમ તબક્કામાં મુલુંડ અને પશ્ચિમ ઉપનગરો પાસે લૂપ્સ અને અંડરપાસ સાથેના ભવ્ય ક્લોવરલીફ ઈન્ટરચેન્જનું નિર્માણ કરીને સમગ્ર નેટવર્કને પૂર્ણ કરવામાં આવશે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરજો. આવા જ બીજા કામના અને મહત્ત્વના સમાચાર જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.