Thu Jan 29 2026

Logo

White Logo

લાલજી પટેલનું SPG હવે UGCના નવા નિયમો સામે મેદાનમાં, કોને લખ્યો પત્ર ?

22 hours ago
Author: Himanshu Chawda
Video

મહેસાણા: UGCના નવા નિયમોને લઈને કેટલાક રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. UGCના નવા નિયમોનો વિરોધ કરતા રાજ્યોમાં હવે ગુજરાતનો સમાવેશ પણ થઈ ગયો છે. જુદાજુદા સંગઠનો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. શ્રી સરદાર પટેલ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને પત્ર લખીને UGCના નવા નિયમોને તાત્કાલિક અસરથી પાછા ખેંચવાની માંગણી કરી છે.

લાલજી પટેલે પત્રમાં શું લખ્યું

લાલજી પટેલે શ્રી સરદાર પટેલ સેવાદળ વતી લખેલા પત્રમાં જણાવાયું છે કે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા જાન્યુઆરી 2026માં જારી કરાયેલ UGC (ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાનો પ્રચાર) નિયમો, 2026 જે 15 જાન્યુઆરી, 2026ના રોજ ભારતના ગેઝેટમાં સૂચિત કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યા હતા, તે ખૂબ જ ગંભીર બંધારણીય અને કાનૂની પ્રશ્નો ઉભા કરે છે. આ સૂચના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવને રોકવાના ઉદ્દેશ્યથી રજૂ કરવામાં આવી હોવાનું કહેવાય છે અને SC, ST, OBC અને દિવ્યાંગ વિદ્યાર્થીઓના અધિકારોનું રક્ષણ કરવા પર વિશેષ ભાર મૂકે છે. આ અંતર્ગત, બધી યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 90 દિવસની અંદર સમાનતા સમિતિઓની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી છે, જેમને ફરિયાદોની તપાસ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધના નિયમો

પત્રમાં આગળ જણાવાયું છે કે, ​શ્રી સરદાર પટેલ સેવાદળનો સ્પષ્ટ અને મક્કમ મત છે કે, ઉપરોક્ત સૂચના ભારતના બંધારણમાં ગેરંટી આપવામાં આવેલા સમાનતાના મૂળભૂત અધિકાર (કલમ 14, 15 અને 21)ની ભાવના અનુસાર નથી. ભારતનું બંધારણ બધા નાગરિકોને સમાનતાનો અધિકાર પ્રદાન કરે છે, પરંતુ સમાનતાની સર્વાંગી ખ્યાલ સ્થાપિત કરવાને બદલે, આ સૂચના ફક્ત SC, ST અને OBC વિદ્યાર્થીઓના અધિકારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે સામાન્ય શ્રેણીના (General Category) વિદ્યાર્થીઓના અધિકારો અને બંધારણીય રક્ષણોને સંપૂર્ણપણે અવગણે છે.

સમાન તકનો સિદ્ઘાંત નબળો પડી જશે

પત્રમાં અંતે જણાવાયું છે કે, ​આ સૂચના એકતરફી અભિગમ અપનાવે છે અને સમાન તકના સિદ્ધાંતને નબળી પાડે છે, જે બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ છે. કોઈપણ કાયદા અથવા નિયમનો ઉદ્દેશ્ય સમાજના તમામ વર્ગો માટે ન્યાય સુનિશ્ચિત કરવાનો હોવો જોઈએ, કોઈ એક વર્ગના પક્ષમાં અસંતુલન પેદા કરવાનો નહીં. આમ, બંધારણમાં દર્શાવેલ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન થતું હોવાનો રદિયો આપીને શ્રી સરદાર પટેલ સેવાદળે UGCના નવા નિયમોને પાછા ખેંચવાની માંગ કરી છે.