નવી દિલ્હી: ભારતના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી માત્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. દુનિયાના સૌથી મોટા લોકતંત્રના આ ગૌરવશાળી દિવસ નિમિત્તે રશિયા, ફ્રાન્સથી લઈને પાડોશી દેશો અને મહાસત્તાઓએ ભારતને અભિનંદન પાઠવ્યા છે. ભારતની વધતી જતી આર્થિક અને વ્યૂહાત્મક શક્તિને સ્વીકારતા, વૈશ્વિક નેતાઓએ ભારતીય લોકતંત્ર અને બંધારણની પ્રશંસા કરી છે, જે દર્શાવે છે કે આજના સમયમાં ભારતની ભૂમિકા વિશ્વ સ્તરે કેટલી મહત્વપૂર્ણ છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલેલા પોતાના ખાસ સંદેશમાં ભારત અને ચીનને સારા પાડોશી અને ભાગીદાર ગણાવ્યા છે. જિનપિંગે 'ડ્રેગન અને હાથી' (ચીન અને ભારત) ના જોડાણને બંને દેશો માટે શ્રેષ્ઠ વિકલ્પ ગણાવતા કહ્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધોમાં સતત સુધારો થઈ રહ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બંને દેશો એકબીજાની ચિંતાઓનું સમાધાન કરશે અને વૈશ્વિક શાંતિ માટે સહયોગ વધારશે. ચીનના વડાપ્રધાન લી કિયાંગે પણ પીએમ મોદીને આ અવસરે અભિનંદન પાઠવ્યા હતા.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતીય જનતાને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવી છે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા અને ભારત વિશ્વના સૌથી જૂના અને સૌથી મોટા લોકતંત્ર તરીકે ઐતિહાસિક સંબંધો ધરાવે છે. આ સાથે જ અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ સંરક્ષણ, ઉર્જા અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત સાથેની ગાઢ ભાગીદારીને બિરદાવી હતી. તેમણે 'ક્વાડ' (QUAD) ના માધ્યમથી હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ભારતના યોગદાનને મહત્વનું ગણાવ્યું હતું.
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે નવી દિલ્હીમાં આયોજિત પરેડમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું કે ભારતીય આકાશમાં અમેરિકા નિર્મિત વિમાનોને ઉડતા જોવા એ બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીનું શક્તિશાળી પ્રતિક છે. ગોરે પ્રજાસત્તાક દિવસની પરેડમાં સામેલ થવાને ગૌરવ ગણાવતા ભારતીય બંધારણ અને લોકતાંત્રિક ભાવનાની ઉજવણીને અદભૂત ગણાવી હતી. આ સંદેશા સ્પષ્ટ કરે છે કે અમેરિકા ભારતને એક અત્યંત વિશ્વાસુ મિત્ર તરીકે જુએ છે.