રાજકોટઃ શુભમન ગિલની કૅપ્ટન્સીમાં ભારતની વન-ડે ટીમ ન્યૂ ઝીલૅન્ડ સામેની સિરીઝમાં 1-2થી હારી ગઈ ત્યાર બાદ હવે ગિલ વેકેશન પર ઊતરી જશે એવું ઘણાએ માની લીધું હશે, પણ તે ઇન્દોરમાં કિવીઓ સામેની અંતિમ મૅચ બાદ સીધો રાજકોટ પહોંચી ગયો હતો જ્યાં ગુરુવારે રણજી ટ્રોફી (Ranji Trophy)ની ચાર દિવસીય મૅચ રમાશે. આ રાઉન્ડમાં ચારેય ગ્રૂપમાંથી ટોચની બે-બે ટીમ ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડમાં પહોંચશે.
ગુરુવારની રણજી મૅચમાં ગિલ પંજાબ વતી રમશે અને પંજાબનો મુકાબલો સૌરાષ્ટ્ર સામે થવાનો છે. સૌરાષ્ટ્રની ટીમમાં અનેક સ્ટાર ખેલાડીઓ ઉપરાંત ભારતીય ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Jadeja)નો પણ સમાવેશ હોવાનું કેટલાક અહેવાલોમાં જણાવાયું હતું. બીજી રીતે કહીએ તો આ રણજી મૅચમાં ગિલ અને જાડેજા વચ્ચે ચડિયાતા પુરવાર થવાની હરીફાઈ જોવા મળી શકે.
ગિલ, જાડેજાને ફરી ફૉર્મમાં આવવાની જરૂર
ખુદ ગિલ (Gill) હાલમાં બૅટિંગમાં ફૉર્મમાં નથી એટલે તે મૅચ-પ્રૅક્ટિસ કરવાના આશયથી આ રણજી મૅચમાં રમશે. જાડેજા પણ બોલિંગ અને બૅટિંગ, બન્નેમાં ફૉર્મ ગુમાવી બેઠો છે એટલે તે પણ મૅચ-પ્રૅક્ટિસ કરવાના હેતુથી આ મૅચમાં રમશે અને ફૉર્મ પાછું મેળવવા તેમ જ સૌરાષ્ટ્રની ટીમને ઉપયોગી યોગદાન આપવા કોઈ કસર બાકી નહીં રાખે.
ગુરુવારના રણજી મુકાબલા સાથે તમામ ટીમો નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચવા જોરદાર રસાકસીમાં ઊતરશે. પૉઇન્ટ્સ-ટેબલમાં સૌરાષ્ટ્ર 13 પૉઇન્ટ સાથે ચોથા સ્થાને છે અને પંજાબ છઠ્ઠા નંબરે છે. કર્ણાટક 21 પૉઇન્ટ સાથે મોખરે છે અને મહારાષ્ટ્રના ખાતે 18 પૉઇન્ટ છે.
સિરાજ પહેલી વાર હૈદરાબાદનો કૅપ્ટન
ભારતીય પેસ બોલર મોહમ્મદ સિરાજ પહેલી વાર હૈદરાબાદની ટીમનું સુકાન સંભાળતો જોવા મળશે. ગ્રૂપ-ડીમાં હૈદરાબાદનો મુકાબલો 42 વખત ચૅમ્પિયન બની ચૂકેલા મુંબઈ સામે થશે. આ મૅચ હૈદરાબાદમાં રમાવાની છે.
મુંબઈની ટીમમાં રહાણે નથી
ગ્રૂપ-ડીમાં મુંબઈ ત્રણ જીત સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે છે. જોકે ગુરુવારે શરૂ થનારી મૅચમાં અજિંક્ય રહાણે નથી રમવાનો. તેણે આ મૅચ માટે પોતે ઉપલબ્ધ નથી એવું જણાવ્યું છે. શાર્દુલ ઠાકુર આ ટીમનું નેતૃત્વ સંભાળશે.
અન્ય સિતારાઓ પણ રમશેઃ બીજી મૅચો કઈ?
કે. એલ. રાહુલ મધ્ય પ્રદેશ સામે કર્ણાટકની ટીમને મજબૂત બનાવશે, જ્યારે નીતીશકુમાર રેડ્ડી આંધ્ર પ્રદેશ વતી રમશે. જોકે રિષભ પંત ઈજાગ્રસ્ત હોવાથી ન્યૂ ઝીલૅન્ડ સામેની વન-ડે શ્રેણી બાદ હવે રણજીના આ રાઉન્ડમાં પણ નહીં રમે. આ નવા રાઉન્ડમાં રમાનારી અન્ય મુખ્ય મૅચોમાં ગુજરાત-રેલવે, બરોડા-નાગાલૅન્ડ, મહારાષ્ટ્ર-ગોવા, વિદર્ભ-આંધ્ર, બેંગાલ-સર્વિસીઝ, ઉત્તરાખંડ-ત્રિપુરા, તમિળનાડુ-ઓડિશા, કેરળ-ચંડીગઢ, ઉત્તર પ્રદેશ-ઝારખંડ વચ્ચે મુકાબલા થશે.