Thu Jan 29 2026

Logo

White Logo

અમદાવાદ જેવી દુર્ઘટના અમેરિકામાં ટળી: લેન્ડિંગના સમયે NASAના વિમાનના લેન્ડિંગ ગિયર ન ખુલ્યા, વીડિયો વાયરલ...

houston   1 day ago
Author: Himanshu Chavda
Video

NASA plane crash (X)


પાયલોટે ધુમાડાના ગોટેગોટા વચ્ચે બે જવાનો સુરક્ષિત બહાર આવ્યા

હ્યુસ્ટન: 2025માં થયેલી અમદાવાદ વિમાન દુર્ઘટના ભૂલાય તેવી નથી. જાન્યુઆરી 2026માં અમેરિકા ખાતે પણ આવી ઘટનાનું પુનરાવર્તન થતાં રહી ગયું છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA) નું એક અત્યંત મહત્વનું રિસર્ચ વિમાન મોટી દુર્ઘટનાનો શિકાર બનતા સહેજમાં બચ્યું હતું. ટેકનિકલ ખામીને કારણે વિમાનના લેન્ડિંગ ગિયર ખુલ્યા ન હતા. જેથી પાયલોટે રનવે પર જોખમી 'બેલી લેન્ડિંગ' કરવાની ફરજ પડી હતી.

'બેલી લેન્ડિંગ'નું ભયાનક દૃશ્ય

મંગળવારે સવારે સાડા અગિાયર વાગ્યે હ્યુસ્ટનના એલિંગ્ટન એરપોર્ટ પર નાસાનું WB-57 રિસર્ચ વિમાન જ્યારે લેન્ડિંગ કરી રહ્યું હતું, ત્યારે તેનું લેન્ડિંગ ગિયર ખુલવામાં નિષ્ફળ ગયું હતું. લેન્ડિંગ ગિયર ન ખુલવાને કારણે પાયલોટે વિમાનને સીધું જ રનવે પર ઉતાર્યું હતું. વિમાન રનવે પર ઘસડાતાની સાથે જ નીચેથી જ્વાળાઓ અને સફેદ ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વિમાન ધ્રુજતું અને લપસતું દેખાય છે, પરંતુ સદનસીબે તે સમયસર અટકી ગયું હતું. વિમાન અટક્યા બાદ તરત જ કોકપીટનો દરવાજો ખુલ્યો હતો અને બંને ક્રૂ મેમ્બર હેમખેમ બહાર આવ્યા હતા. ફાયર ફાઈટર્સ અને ઇમરજન્સી ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

નાસાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, "અમારા WB-57 વિમાનમાં યાંત્રિક ખામી સર્જાતા એલિંગ્ટન ફિલ્ડ પર 'ગિયર-અપ લેન્ડિંગ' કરવાની ફરજ પડી હતી. તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને નાસા આ ખામીના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરશે."

WB-57 વિમાનની ખાસિયત

ઉલ્લેખનીય છે કે, WB-57 વિમાન 63,000 ફૂટ એટલે કે આશરે 19.2 કિમીની ઉંચાઈ સુધી ઉડી શકે છે, જ્યાં સામાન્ય વિમાનો પહોંચી શકતા નથી. 1970ના દાયકાથી આ વિમાન વૈજ્ઞાનિક સંશોધનો માટે વપરાય છે. તે સતત સાડા છ કલાક સુધી હવામાં રહી શકે છે. નાસાના જોહ્ન્સન સ્પેસ સેન્ટર પાસે આવા ત્રણ વિમાનો તૈનાત છે.