Tue Jan 27 2026

Logo

White Logo

આંધ્ર પ્રદેશમાં ખાનગી બસ અને કન્ટેનર વચ્ચે ટક્કર બાદ આગ, ત્રણ લોકો જીવતા ભૂંજાયા

5 days ago
Author: Himanshu Chavada
Video

આંધ્ર પ્રદેશના નાંદિયાલ જિલ્લામાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. નાંદિયાલ-અલ્લાગડા રોડ પર મુસાફરો ભરેલી એક ખાનગી બસ અને કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે જોતજોતામાં બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં કમનસીબે ત્રણ વ્યક્તિઓએ જીવતા ભૂંજાઈ જવાથી પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

પ્રાથમિક વિગતો મુજબ, આ અકસ્માત સિરિવેલ્લા મેટ્ટા પાસે બન્યો હતો. એક ખાનગી ટ્રાવેલ્સની બસનું ટાયર અચાનક ફાટતા ડ્રાઈવરે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. અનિયંત્રિત બસ ડિવાઈડર કૂદીને સામેથી આવતા મોટરસાયકલો ભરેલા કન્ટેનર લોરી સાથે અથડાઈ હતી. ટક્કર થતાની સાથે જ બંને વાહનોમાં આગના ગોટા ઉડવા લાગ્યા હતા. સ્થાનિક લોકો અને બસના ક્લીનરની સતર્કતાથી બારીઓના કાચ તોડીને અંદર ફસાયેલા મુસાફરોને સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા.

 

આ ભીષણ અકસ્માતમાં બસ ડ્રાઈવર, ટ્રક ડ્રાઈવર અને ક્લીનર એમ કુલ ત્રણ લોકો આગની લપેટમાં આવી જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. બસમાં કુલ 36 મુસાફરો સવાર હતા, જેમાંથી 4 મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતા નાંદિયાલ જિલ્લા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અન્ય 8 મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે એક સ્થાનિક DCM ડ્રાઈવરે બહાદુરી બતાવી બારીઓ તોડીને મુસાફરોનો જીવ બચાવ્યો હતો.

ઘટનાની જાણ થતા જ સિરિવેલામેટ્ટાના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી બસ અને ટ્રક બળીને ખાખ થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર આ અકસ્માતના વીડિયો પણ વાયરલ થયા છે, જેમાં બસ સળગતી જોવા મળે છે. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ટ્રાફિક ક્લિયરન્સની કામગીરી પૂર્ણ કરી છે.