આજે ભારતના 77મા પ્રજાસત્તાક દિવસે જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ 'કર્તવ્ય પથ' પર શાહી બગ્ગીમાં સવાર થઈને આવ્યા, ત્યારે સમગ્ર દેશની નજર આ ભવ્ય સવારી પર ટકી ગઈ હતી. સોનાના વરખથી મઢેલી આ બગ્ગી માત્ર એક વૈભવી ઠાઠનું પ્રતીક નથી, પરંતુ તેની સાથે ભારત અને પાકિસ્તાનના ભાગલા સમયની એક રોમાંચક અને ઐતિહાસિક ગાથા જોડાયેલી છે. જેના વિશે આજે આપણે અહીં આ સ્ટોરીમાં આગળ વાત કરીશું.
પ્રજાસત્તાક દિવસની પરેડમાં રાષ્ટ્રપતિની સવારી હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહે છે. રાષ્ટ્રપતિ એક શાહી બગ્ગીમાં સવાર થઈને પરેડમાં ભાગ લેવા માટે પહોંચે છે. પરંતુ શું તમને ખબર છે કે જો ભારત એક ટોસ હારી ગયું હોત તો આ બગ્ગી આપણા હાથમાંથી જતી રહી હોત અને પાકિસ્તાન પાસે પહોંચી ગઈ હોત? જી હા, ખૂબ જ ઓછા લોકો જાણે છે કે આ બગ્ગી ભારત પાસે રહેશે કે પાકિસ્તાન પાસે, તેનો નિર્ણય ક્રિકેટ મેચની જેમ એક સિક્કો ઉછાળીને કરવામાં આવ્યો હતો.
1947માં જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે જમીન અને સૈન્યની સાથે વાઈસરોયની સંપત્તિની પણ વહેંચણી કરવામાં આવી હતી. આ યાદીમાં વાઈસરોયની ભવ્ય 'ગોલ્ડ પ્લેટેડ' બગ્ગીનો પણ સમાવેશ થતો હતો. ભારત અને પાકિસ્તાન બંને આ ઐતિહાસિક બગ્ગી મેળવવા માટે મક્કમ હતા. કોઈ સહમતી ન સધાતા આખરે નિર્ણય લેવાયો કે ટોસ કરીને આનો નિર્ણય લેવામાં આવશે.
ભારત તરફથી ગવર્નર જનરલના બોડીગાર્ડ રેજિમેન્ટના કમાન્ડન્ટ લેફ્ટનન્ટ કર્નલ ઠાકુર ગોવિંદ સિંહ અને પાકિસ્તાન તરફથી સાહબઝાદે યાકૂબ ખાન વચ્ચે આ ટોસ થયો હતો. સિક્કો હવામાં ઉછળ્યો અને ભારતની તરફેણમાં પડ્યો. નસીબે યારી આપી અને આમ આ શાહી બગ્ગી ભારતની લોકતાંત્રિક વિરાસતનો હિસ્સો બની ગઈ.
શાહી બગ્ગીની વિશેષતાઓ વિશે વાત કરીએ તો આ બગ્ગી બ્રિટિશ કાળની છે, જેની પર સોનાનું પડ ચઢાવવવામાં આવ્યું છે. તેની બંને બાજુએ ભારતનું રાષ્ટ્રીય ચિન્હ અશોક સ્તંભ પણ સોનાથી જ કંડારવામાં આવ્યું છે. પહેલાં આ બગ્ગીને 6 ઓસ્ટ્રેલિયન ઘોડા ખેંચતા હતા, પરંતુ હવે પરંપરા મુજબ 4 શક્તિશાળી ઘોડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. 26મી જાન્યુઆરી, 1950ના ભારતના પહેલાં રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ આ જ બગ્ગીમાં સવાર થઈને પ્રથમ ગણતંત્ર પરેડમાં પહોંચ્યા હતા.
ઈન્દિરા ગાંધીની હત્યા બાદ સુરક્ષાના કારણોસર આ ખુલ્લી બગ્ગીનો ઉપયોગ બંધ કરીને બુલેટપ્રૂફ ગાડીઓનો ઉપયોગ શરૂ થયો હતો. જોકે, 30 વર્ષ બાદ 2014માં રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ 'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહમાં ફરીથી આ પરંપરા જીવંત કરી હતી. ત્યારબાદ રામનાથ કોવિંદ અને હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ખાસ પ્રસંગોએ આ ઐતિહાસિક સવારીમાં નજરે પડે છે.