Tue Jan 27 2026

Logo

White Logo

મેદાન પર આ ફૂટબોલરે કેમ દારૂ પીવાની સ્ટાઇલમાં સેલિબ્રેશન કર્યું?

6 days ago
Author: Ajay Motiwala
Video

મૅડ્રિડઃ ચૅમ્પિયન્સ લીગ ફૂટબૉલ ચૅમ્પિયનશિપમાં રિયલ મૅડ્રિડનો ખેલાડી જ્યૂડ બેલિંગમ પર્ફોર્મન્સ કરતાં પાર્ટી-શાર્ટી કરવાના મુદ્દે વધુ ચર્ચામાં છે, પરંતુ તેણે મંગળવારે અહીં મૉનેકો સામેની મૅચમાં એક ગોલ કર્યા પછી ` ડ્રિન્કિંગ'ની સ્ટાઇલમાં સેલિબ્રેશન કરીને ટીકાકારો બની ગયેલા કેટલાક ફૂટબૉલ ચાહકો (Fans)ને વળતો જવાબ આપવાની કોશિશ કરી હતી.

આ મૅચમાં રિયલ મૅડ્રિડે મૉનેકોની ટીમને 6-1થી પરાજિત કરી હતી. મૅડ્રિડે 80મી મિનિટ સુધીમાં કીલિયાન ઍમ્બપ્પેના બે ગોલ તેમ જ બીજા ત્રણ ખેલાડીઓના એક-એક ગોલ (Goal)ને કારણે 5-1ની સરસાઈ સાથે આ મૅચમાં જીત લગભગ મેળવી જ લીધી હતી, પરંતુ 80મી મિનિટમાં બેલિંગમે ગોલ કરીને માર્જિન વધારીને 6-1નો કરી આપ્યો હતો.

 

રિયલ મૅડ્રિડ (Real Madrid)ની ટીમ આ ચૅમ્પિયનશિપમાં સંઘર્ષ કરી રહી છે ત્યારે બેલિંગમ બહુ બધી પાર્ટી (Party)ઓમાં જ રચ્યો પચ્યો રહે છે અને પર્ફોર્મન્સ સુધારવા પર બહુ ધ્યાન નથી આપતો એવી તેની ટીકા થઈ રહી હતી. 80મી મિનિટમાં તેણે ટીમનો છઠ્ઠો ગોલ નોંધાવ્યો એ પછી તેણે દારૂ પી રહ્યો હોય એવી સ્ટાઇલમાં ગોલની ઉજવણી કરી હતી.

બેલિંગમે પાર્ટી વિશેની પોતાની ટીકા બાબતમાં એ. પી.ને કહ્યું હતું કે ` ઘણા લોકો ઘણું બધુ બોલતા હોય છે. એવું લાગે છે કે દરેકને કૅમેરા સામે ઊભા રહીને મનમાં આવે એ બોલવું ગમે છે. નવાઈની વાત એ છે કે દુનિયાભરના લોકો કોઈ પણ પુરાવાની તલાશ કર્યા વગર તેમનું માની પણ લેતા હોય છે. આ સંજોગોમાં મને બે વિકલ્પ દેખાય. એક, લોકો જે બોલે એના પર ગમગીન થઈ જવું, રડવું અને વકીલને (બદનક્ષીનો કેસ કરવા) મોકલી દેવા. બીજું, લોકો જે બોલે એને ધ્યાનમાં જ ન લેવું અને લાઇફ એન્જૉય કરવી. મેં ગોલ કર્યા પછી જે ઍક્ટિંગ કરી એ કંઈ પણ બોલતા ફૂટબૉલ ચાહકોને મારો વળતો જવાબ હતો. મારા અંગત જીવનમાં જે કંઈ ચાલી રહ્યું છે એ હું જાણું છું, બીજા કોઈને શું ખબર? ટીમ પ્રત્યેની મારી શું જવાબદારી છે એ હું સારી રીતે જાણું છું. થોડી ઘણી મજાક ચાલે, પણ એકંદરે હું લોકોની વાતોને ધ્યાનમાં લેતો જ નથી.'

ચૅમ્પિયન્સ ટ્રોફીમાં આર્સેનલ 21 પૉઇન્ટ સાથે મોખરે છે, પરંતુ રિયલ મૅડ્રિડ બીજા સ્થાને હોવા છતાં આર્સેનલથી છ પૉઇન્ટ દૂર છે.