Tue Jan 27 2026

Logo

White Logo

ભાજપ પાસે સત્તા અને એજન્સીઓ છે, પણ અમારી પાસે શ્રીકૃષ્ણ જેવું 'સત્ય' છે: કેજરીવાલ

1 week ago
Author: Devayat Khatana
Video

અમદાવાદ: સાણંદના લોદરીયલ ગામે આયોજિત આમ આદમી પાર્ટીના સંમેલનમાં પક્ષના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કાર્યકરોને સંબોધતા જ કહ્યું હતું કે જ્યારે કોઈનો વિનાશ નજીક આવે છે ત્યારે ભગવાન તેની બુદ્ધિ બગાડે છે અને હવે ભાજપનો વિનાશ નજીક છે અને આથી ભગવાને તેની બુદ્ધિ ખરાબ કરી દીધી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપે તેમની મિટિંગ રોકવાના અનેક પ્રયાસ કર્યા, ભાજપે સ્ટેજ તોડી નાખ્યું, ખુરશીઓ તોડી અને મંજૂરી પણ લઈ લીધી. તેમ છતાં આપણી મિટિંગ થઈને રહી. 

અરવિંદ કેજરીવાલે તેમના સંબોધનમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપની કિસ્મત ખરાબ છે અને આથી જૂતું ફેંકનારે કહી દીધું કે આ કામ કરવા માટે ભાજપના નેતાએ 50 હજાર રૂપિયા આપ્યા હતા અને દારૂ પાવામાં આવ્યો હતો. આથી ભાજપની પોલ ખૂલી ગઈ. તેમણે કહ્યું હતું કે તે આપણાં નેતા પર જૂતાં ફેંકાવે છે, આપણી મિટિંગ કેન્સલ કરવા માંગે છે, છેલ્લા 3 મહિનાથી આપણા નેતાઓને જેલમાં પૂરી દીધા છે. પ્રવીણ રામ, રાજૂ કરપડા જેવા નેતાઓનો ઉલ્લેખ કર્યો હતો. કારણ કે તેમણે કડદા પ્રથા સામે અવાજ ઉઠાવ્યો હતો. ચૈતર વસાવાને ગરીબ આદિવાસીઓના પ્રશ્ન ઉઠાવવા બદલ જેલમાં પૂરવામાં આવ્યા હતા. 

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી સત્તાધારી પક્ષ ડર અને ભ્રષ્ટાચારના જોરે શાસન કરી રહ્યો છે. હવે સમય આવી ગયો છે કે જનતા અને કાર્યકરો પોતાના મનમાંથી જેલનો ભય ત્યાગી દે, કારણ કે પરિવર્તન લાવવા માટે નિર્ભય બનવું અનિવાર્ય છે. તેમણે આક્ષેપ કર્યો કે આગામી વિધાનસભા ચૂંટણીઓ આવતા જ ED, CBI અને પોલીસ જેવી એજન્સીઓનો ઉપયોગ વધી જશે, પણ જો આપણે જેલમાં જવા તૈયાર હોઈશું તો સત્તા પરિવર્તન ચોક્કસ થશે. તેમણે કહ્યું કે જેમ પાંડવો પાસે સત્ય સમાન શ્રીકૃષ્ણ હતા અને સામે કૌરવો પાસે સેના હતી તેમ આમ આદમી પાર્ટી પાસે સત્ય છે.  

મહત્વનું છે કે, આ કાર્યક્રમના સ્થળને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. અગાઉ આ સંમેલન અમદાવાદના નિકોલ વિસ્તારમાં યોજાવાનું હતું, પરંતુ AAP નેતા ગોપાલ ઇટાલિયાના આક્ષેપ મુજબ, સત્તાધારી પક્ષના દબાણ અને ધમકીઓને કારણે પ્લોટ માલિકે છેલ્લી ઘડીએ મંજૂરી રદ કરી દીધી હતી. પરિણામે, પક્ષે નિકોલને બદલે સાણંદના ખેતરમાં આ કાર્યક્રમ યોજવાની ફરજ પડી હતી.