નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટેરિફ વોરના લીધે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. જયારે થોડા સમયથી અમેરિકા ફરી એક વાર ભારત સાથે સબંધોને સામાન્ય કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેના ભાગરૂપે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રતિનિધિમંડળ ભારત મોકલ્યું છે. આ પ્રતિનિધિમંડળે રવિવારે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ બેઠકનો હેતુ ભારત-અમેરિકા સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરીને સંબંધોને મજબૂત બનાવવાનો હતો.
વેપાર અને સુરક્ષા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ
ભારત-અમેરિકાની બેઠકમાં વેપાર અને સુરક્ષા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ બેઠક બંને દેશો વચ્ચેના સંબંધોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે થઈ છે. આ બેઠકમાં હાજર રહેલા યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે તેને સફળ ગણાવી હતી. આ ચર્ચામાં સુરક્ષા, વેપાર અને મહત્વપૂર્ણ ટેકનોલોજીના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત બનાવવા પર હતું. યુએસ કોંગ્રેસના પ્રતિનિધિમંડળમાં જીમી પેટ્રોનિસ, માઇક રોજર્સ અને એડમ સ્મિથનો સમાવેશ થાય છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને પક્ષો ટ્રેડ ડીલ માટે વાટાઘાટો આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ બેઠકને ફળદાયી ગણાવી
આ બેઠક અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ બેઠકને ફળદાયી ગણાવી હતી. જેમાં લખ્યું હતું કે, "ભારત-અમેરિકા સંબંધો, ભારત-પ્રશાંત અને યુક્રેન સંઘર્ષના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસ સાથે જોડાણ હંમેશા અમારા સંબંધોનો મહત્વપૂર્ણ ભાગ રહ્યું છે." જેની બાદ યુએસ એમ્બેસેડર ગોરે પણ તેમને ટેગ કરીને X પર પોસ્ટ કરી અને લખ્યું કે. અમે યુએસ-ભારત ભાગીદારીને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી. આમાં મજબૂત સુરક્ષા, વિસ્તૃત વેપાર અને મહત્વપૂર્ણ તકનીકો પર સહયોગનો સમાવેશ થાય છે.
અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદતા તણાવ વધ્યો
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય પ્રોડક્ટ પર 50 ટકા સુધીના ભારે ટેરિફ ઝીંક્યા બાદ ભારત-અમેરિકાના સંબંધોમાં ભારે તણાવ ઉભો થયો હતો. જેમાં રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદી પર 25 ટકા દંડાત્મક ટેરિફનો પણ સમાવેશ થાય છે. ગત વર્ષે બંને પક્ષોએ પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે અનેક રાઉન્ડની વાટાઘાટો કરી હતી. પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.