(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારની નરમાઇ, એફઆઇઆઇની સતત વેચવાલી અને જીઓ-પોલિટિકલ ટેન્શન વચ્ચે સેન્સેક્સમાં સતત ત્રીજા દિવસે પીછેહઠ નોંધાઇ હતી. સેન્સેક્સ ૮૨,૦૦૦ની નીચે સરકી ગયો હતો જ્યારે નિફ્ટી ૨૫,૦૦૦ની નજીક પહોંચી ગયો છે. વૈશ્ર્વિક બજારમાં ટ્રમ્પે યુરોપના દેશો સામે શરૂ કરેલી નવી ટેરીફ વોરની ચિંતા વચ્ચે વૈશ્ર્વિક ઇક્વિટી બજારનું સેન્ટિમેન્ટ ખરડાઇ ગયું છે.
નોંધવું રહ્યું કે, મંગળવારના સત્રમાં જ સેન્સેક્સ ટેરિફ વોર વકરવાના ભય વચ્ચે સેન્સેક્સ ૧૦૦૦ પોઇન્ટના જોરદાર કડાકા સાથે ૮૩,૦૦૦ની નીચે સરકી ગયોે હતો અને એક્સચેન્જના માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂપિયા દસ લાખ કરોડ જેવું ધોવાણ નોંધાયું હતું.
પાછલા સત્રમાં ૧૦૫૬ પોઇન્ટ નીચે બંધ રહેલો સેન્સેકસ સત્ર દરમિયાન ૧૦૫૬ પોઇન્ટના કડાકો નોંધાવ્યા બાદ અંતે, બીએસઇ ૨૭૦.૮૪ પોઈન્ટ અથવા ૦.૩૩ ટકા ઘટીને ૮૨,૦૦૦ પોઇન્ટની સપાટી તોડીને ૮૧,૯૦૯.૬૩ પર બંધ થયો છે, જ્યારે નિફ્ટી ૭૫ પોઈન્ટ અથવા ૦.૩૦ ઘટીને ૨૫,૧૫૭.૫૦ પર બંધ થયો છે. બીએસઇના માર્કેટ કેપિટલાઇઝેશનમાં પ્રારંભિક આંકડા અનુસાર રૂ. ૧.૪૫ લાખ કરોડનું ધોવાણ થયું છે.
આઇસીઆઇસીઆઇ બેન્ક, ટ્રેન્ટ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, લાર્સન એન્ડ ટૂબ્રો, સ્ટેટ બેન્ક અને મારુતી સેન્સેક્સના ટોપ લુઝર રહ્યા હતા. જ્યારે ઇટર્નલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઇન્ટરગ્લોબ એવિએશન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોપ ગેઇનર્સ રહ્યાં હતા.
યુનાઇટેડ સ્પિરિટે ચોખ્ખો નફામાં ૨૪.૭૭ ટકાનો વધારો નોંધાવ્યો હોવા છતાં સત્ર દરમિયાન તેના શેરમાં ત્રણ ટકાનો ધબડકો જોવા મળ્યો હતો શોપર્સ સ્ટોપે ત્રીજા ક્વાર્ટરમાં ૬૯ ટકાના જોરદાર ઘટાડા સાથે રૂ. ૧૬.૧૨ કરોડનો નફો જાહેર કર્યા બાદ તેના શેરમાં ૧૨ ટકા જેવો કડાકો બોલાયો હતો. ત્રીજા ક્વાર્ટરમાં કેપીઆઇ ગ્રીનનો નફો ૪૮ ટકા જ્યારે કેપી એનર્જીનો નફો ૫૮ ટકા વધ્યો હતો.
બજારના સાધનો અનુસાર મિશ્ર કોર્પોરેટ પરિણામો, વિદેશી ભંડોળની સતત વેચવાલી અને વૈશ્ર્વિક વેપાર બાબતની અનિશ્ર્ચતતા વચ્ચે સેન્ટિમેન્ટ કથળી ગયું છે. કંપની પરિણામોની નિરાશાએ પણ સેન્ટિમેન્ટને નુકસાન પહોંચાડ્યું હતું. ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, વિપ્રો બાદ એલટીઆઇમાઇન્ડટ્રીએ પણ નાણાકીય મોરચે રોકાણકારોને નિરાશ કર્યા હતા.
જોકે, ડિસેમ્બર ૨૦૨૫માં પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટરમાં આઇટીસીનો નફો ૯.૬૦ ટકા વધીને રૂ. ૨૩૭ કરોડ જ્યારે, એસઆરએફએ નફો ૫૯.૬૦ ટકા વધીને રૂ. ૪૩૨.૬૬ કરોડ નોંધાયો છે. આઇઆરએફસીએ ૧૦.૫૧ ટકાના વધારા સાથે રૂ. ૧,૮૦૨ કરોડનો ચોખ્ખો નફો અને પીએનબીએ ૧૩ ટકાના વધારા સાથે રૂ. ૫,૧૦૦ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
યુએસ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ઘણા યુરોપિયન દેશો પર નવા ટેરિફ લાદવાની ધમકી આપ્યા પછી ચિંતા ફરી ઉભી થઈ, જેનાથી વૈશ્ર્વિક વેપારમાં અવરોધો ફરી શરૂ થયા છે. તે જ સમયે, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા સતત વેચવાલીથી સ્થાનિક ઇક્વિટીમાં ઘટાડાનું દબાણ વધ્યું છે.
વધતી વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતા અને ઘટતા ઇક્વિટી બજારોએ રોકાણકારોને સુરક્ષિત ગણાતાં સેફ હેવન એસેટ તરફ વળવા પ્રેર્યા હોવાથી સોના અને ચાંદીના ભાવ વિક્રમી ઊંચા સ્તરે પહોંચ્યા છે. વિદેશ નીતિના સાધન તરીકે યુએસ વહીવટીતંત્ર દ્વારા ટેરિફનો આક્રમક અને ઘણીવાર અણધારી ઉપયોગ વૈશ્ર્વિક બજારના સહભાગીઓમાં વ્યાપક અસ્વસ્થતા પેદા કરી રહ્યો છે, જેના કારણે નાણાકીય બજારોમાં તીવ્ર અસ્થિરતા જોવા મળી રહી છે. આનાથી જોખમી સંપત્તિઓ પર ભારે ભારણ પડ્યું છે, જ્યારે સોના અને ચાંદીના ભાવ ઉંચા આવી રહ્યા છે.
ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવાના યુએસના પગલાનો વિરોધ કરતા યુરોપિયન રાષ્ટ્રો પર વધારાના ટેરિફ લાદવાની યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવી ધમકીઓએ વૈશ્ર્વિક ઇક્વિટી વેચાણમાં ફરી એક વાર વધારો કર્યો છે, જેમાં ભારતીય બજારોમાં પણ વ્યાપક દબાણ જોવા મળી રહ્યું છે. ભારતીય ઇક્વિટી બજારની સતત ત્રીજા સત્રની પીછેહઠ ગ્લોબલ માર્કેટના નબળા સંકેતો, ઇક્વિટી બજારમાં સાવચેતીનું માનસ અને રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતામાં ઘટાડો દર્શાવે છે.