Tue Jan 27 2026

Logo

White Logo

ખેડૂતો માટે ખુશખબર: ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણી શરૂ, જાણો કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે?

8 hours ago
Author: Devyat Khatana
Video

અમદાવાદઃ ખેડૂતો માટે મહત્વના સમાચાર છે, કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ. ૨,૫૮૫ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે દર વર્ષની જેમ લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે.

પહેલી માર્ચ સુધીમાં કરાવવી પડશે નોંધણી 

સમગ્ર રાજ્યમાં લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ તેમની ઓનલાઇન નોંધણી ગ્રામીણ કક્ષાએ VCE મારફતે પહેલી ફેબ્રુઆરીથી પહેલી માર્ચ ૨૦૨૬ સુધીમાં કરાવવાની રહેશે. આ નોંધણી ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટિકેશન થકી કરવામાં આવશે. વધુમાં, લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ૪ માર્ચથી ૧૫ મે, ૨૦૨૬ સુધી કરવામાં આવશે. 

નોંધણી માટે કયા આધાર પુરાવા જરૂરી?

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો, ૭/૧૨, ૮/અ તેમજ પાકની વાવણી અંગેની નોંધ ૭/૧૨ કે ૮/અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કાવાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત, બેંક પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે રાખવાની રહેશે.

ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરાશે 

ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ-ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં તેમનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ કરવામાં આવશે નહીં. 

નોંધણી બાબતે મુશ્કેલી હોય તો મળશે મદદ 

લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ તેમની ઓનલાઇન નોંધણી ફરજીયાત કરાવવાની હોવાથી આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે.