વૈશ્વિક તણાવ, યુદ્ધ અને આર્થિક અનિશ્ચિતતાના આ સમયમાં સોનું કોઈપણ દેશ માટે સુરક્ષિત કવચ સમાન છે. આપણો ભારત દેશ પણ આ બાબતે ખૂબ સજાગ છે અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા સોનાનો વિશાળ ભંડાર જાળવી રાખવામાં આવ્યો છે. જોકે, વર્ષ 2025માં ભારતની સોનાની ખરીદીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
દુનિયાભરમાં જ્યારે આર્થિક ઉથલ પાથલ જોવા મળી રહી છે ત્યારે ભારતે પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે સોનાના ભંડાર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં સોનાની ભાગીદારી ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી છે.
કેટલું સોનું છે ભારત પાસે અને શું છે તેની કિંમત?
ભારત પાસે હાલમાં સત્તાવાર રીતે આશરે 880.18 મેટ્રિક ટન સોનાનો ભંડાર છે. જો તેની બજાર કિંમતની વાત કરીએ તો આ સોનાનું મૂલ્ય લગભગ 113.32 બિલિયન ડોલર અંદાજવામાં આવ્યું છે. ભારતીય રૂપિયામાં આ કિંમત 9.5 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે. કુલ વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો વધીને 16.02 ટકા થઈ ગયો છે, જે છેલ્લાં 20 વર્ષમાં સૌથી વધુ છે.
ભારત પોતાનું સોનું ક્યાં રાખે છે?
વાત કરીએ ભારત પોતાનું સોનું ક્યાં રાખે છે એની તો આ અગાઉ ભારતનું મોટાભાગનું સોનું વિદેશમાં રાખવામાં આવતું હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે આ વ્યૂહરચના બદલી છે. ભૂ-રાજકીય જોખમો અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને ભારતે પોતાનું સોનું સ્વદેશ પરત મંગાવવાનું શરૂ કર્યું છે.
હાલમાં 510થી 575 ટન સોનું ભારતની અંદર સુરક્ષિત તિજોરીઓમાં છે. મુખ્યત્વે મુંબઈ અને નાગપુર સ્થિત આરબીઆઈની તિજોરીઓમાં આ ખજાનો સુરક્ષિત છે. બાકીનું આશરે 290 ટન જેટલું સોનું હજુ પણ 'બેંક ઓફ ઈંગ્લેન્ડ' અને 'બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ' જેવી વિદેશી સંસ્થાઓ પાસે સુરક્ષિત પડી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતે છેલ્લાં ત્રણ વર્ષમાં જ આશરે 274 ટન સોનું વિદેશથી ભારત પાછું મંગાવી લીધું છે.
2025માં સોનાની ખરીદીમાં મોટો ઘટાડો
અહીંયા તમારી જાણ માટે કે વર્ષ 2025માં આરબીઆઈની સોનાની ખરીદીમાં આશ્ચર્યજનક ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2024માં આરબીઆઈએ 72.6 ટન સોનાની ખરીદી કરી હતી. જેની સરખામણીએ વર્ષ 2025માં માત્ર 4.02 ટન સોનું જ ખરીદવામાં આવ્યું છે. અહીંયા તમારી જાણ માટે કે આ આંકડો છેલ્લા 8 વર્ષમાં સૌથી ઓછી સોનાની ખરીદીને દર્શાવે છે. આ ઘટાડા પાછળ સોનાના વધતા ભાવ અથવા વૈશ્વિક બજારની બદલાતી સ્થિતિ કારણભૂત હોઈ શકે છે.