ન્યુ યોર્ક: ડોનાલ્ડ ટ્રમ્પ “મેક અમેરિકા ગ્રેટ અગેઇન”ના નારા સાથે બીજી વખત યુએના રાષ્ટ્રપતિ બન્યા હતાં, હવે તેઓ “મેક અમેરિકા રીચ અગેઇન”ના નારા સાથે દુનિયા ભરના દેશો પર ટેરીફ લાદી રહ્યા છે. દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમની નીતિઓ અને ટેરિફને કારણે યુએસને 18 ટ્રિલિયન ડોલરનું રોકાણ થયું છે, જોકે આ દાવો કોઈ આધાર નથી. એવામાં યુએસના એક જાણીતા અખબારે ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ ટ્રમ્પની સંપતીમાં અધધ વધારો થયો છે.
અખારે જણાવ્યું કે ટ્રમ્પ હકિકતે ‘મેક ટ્રમ્પ રીચર’ અભિયાન ચલાવી રહ્યા છે. ગત વર્ષે જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ ટ્રમ્પની સંપતિમાં લગભગ $1.4 બિલિયન (લગભગ રૂ. 12,810 કરોડ)નો વધરો થયો છે. ટ્રમ્પે રીયલ એસ્ટેટ અને ક્રિપ્ટોકરન્સીથી જબરી કમાણી કરી છે. અખબારે એમ પણ જણાવ્યું કે આ અંશ માત્ર જ હોઈ શકે છે, કારણ કે ટ્રમ્પના તમામ બિઝનેસના નફા જાહેર કરવામાં આવ્યા નથી.
ટ્રમ્પે ક્રિપ્ટો કરન્સીમાંથી મોટી કમાણી કરી:
છેલ્લા એક વર્ષમાં ટ્રમ્પ માટે સૌથી વધુ કમાણી ક્રિપ્ટોકરન્સીથી કરી છે. ટ્રમ્પે વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ કંપની અને એક મીમ કોઈન દ્વારા $867 મિલિયનથી વધુ કમાણી કરી, લિબર્ટી ફાઇનાન્શિયલ કંપની ટ્રમ્પના પરિવાર સાથે જોડાયેલી છે.
વર્ષ 2025 માં, UAE સ્થિત એક કંપનીએ વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ કંપનીમાં $2 બિલિયનનું રોકાણ કર્યું હતું. અહેવાલ મુજબ આ રોકાણ બાદ ટ્રમ્પે યુએસની સેમિકન્ડક્ટર ચિપ્સ યુએઈને વેચવા માટે મંજૂરી આપી હતી.
અહેવાલ મુજબ ટ્રમ્પ અને તેમના દીકરા વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલમાં $5 બિલિયનથી વધુ મૂલ્યનો હિસ્સો ધરાવે છે, જેમાંથી તેઓ અઢળક નાણા કમાઈ રહ્યા છે.
પાકિસ્તાન સાથે કરી મોટી ક્રિપ્ટો ડીલ:
પહેલા કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે પાકિસ્તાન પર આતંકવાદને સમર્થન આપવા આરોપ લગાવ્યા હતાં અને ફંડ રોકી દીધું હતું. આતંકવાદ સામે લડવા માટે મળતા ફંડ સામે યુએસને કઈ નથી મળતું. પરંતુ બીજી ટર્મમાં ટ્રમ્પે પાકિસ્તાન સાથે સંબંધો મજબુત કર્યા છે, આ દરમિયાન ટ્રમ્પે 17,000 કરોડ રૂપિયાની ક્રિપ્ટો ડીલ કરી છે.
દુનિયાભરમાં ટ્રમ્પ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ:
યુએસની બહાર ટ્રમ્પનું રિયલ એસ્ટેટ સામ્રાજ્ય ખુજ ઝડપથી વિકસી રહ્યું છે. 'ટ્રમ્પ' નામના લાઇસન્સ માટે વિદેશમાં ચાલતા 20 અલગ-અલગ પ્રોજેક્ટ્સ માટે ડોનાલ્ડ ટ્રમ્પને $23 મિલિયન મળ્યા છે, જેમાં ઓમાનમાં એક લક્ઝરી હોટલ, સાઉદી અરેબિયામાં એક ગોલ્ફ કોર્સ અને મહારાષ્ટ્રમાં ઓફિસ ટાવરનો સમાવેશ થાય છે.
અહેવાલ મુજબ ભારતમાં ટ્રમ્પ બ્રાન્ડનો પહેલો કોમર્શિયલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ 'ટ્રમ્પ વર્લ્ડ સેન્ટર' પુણે આકાર પામી રહ્યો છે, જેમાંથી ભવિષ્યમાં $289 મિલિયનથી વધુનું રોકાણ થવાની આશા છે.
ટેરીફની ધમકીથી થઇ રહી છે ડીલ:
વિયેતનામ યુએસમાં મોટા પાયે નિકાસ કરે છે. ટ્રમ્પે વિયેતનામ પર ગત વર્ષે 46% ટેરિફ લાદ્યો હતો. ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને હનોઈમાં $1.5 બિલિયન ડોલરના ગોલ્ફ કોમ્પ્લેક્સના બાંધકામને મંજુરી આપવામાં આવી ત્યાર બાદ ટેરિફ ઘટાડીને 20% કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ વિયતનામ સરકારે ટ્રમ્પના પ્રોજેક્ટને ઝડપી મંજુરી આપવા દેશના કાયદાઓનું ઉલંઘન કર્યું હતું.
ગત વર્ષે ઇન્ડોનેશિયામાં ટ્રમ્પ-બ્રાન્ડેડ ગોલ્ફ ક્લબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઇન્ડોનેશિયામાં બાલીમાં એક રિસોર્ટ અને અન્ય એક પ્રોપર્ટીનો પણ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનની વેબસાઇટ ઉલ્લેખ છે.
મનોરંજન જગતમાંથી કમાણી:
ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયાએ પણ ફિલ્મ નિર્માણમાં પણ મોટું રોકાણ કર્યું છે, આ ઉપરાંત એન્ટરટેઈનમેન્ટ કંપની પર મુકદમા દાખલ કરીને તગડી કમાણી કરી છે.
'મેલાનિયા' નામની ડોકયુમેન્ટરી ફિલ્મના રાઈટ્સ માટે એમેઝોને ટ્રમ્પને $28 મિલિયન ચૂકવ્યા છે.
વધુમાં, X, Meta, YouTube અને Paramount જેવી કંપનીઓએ મળીને મુકદ્દમાના ઉકેલ માટે $90.5 મિલિયન ચૂકવ્યા છે. YouTube એ ટ્રમ્પની ચેનલ સસ્પેન્ડ કરવાના મુકદ્દમાના સમાધાન માટે $24.5 મિલિયન ચૂકવ્યા છે. કમલા હેરિસ સાથેના ટ્રમ્પને ઇન્ટરવ્યુને કથિત રીતે એડીટીંગ કરવા બદલ દાખલ થયેલા મુકદમા બદલ પેરામાઉન્ટે ટ્રમ્પને $16 મિલિયન ચૂકવ્યા છે.
લક્ઝરી ગીફટ:
આ ઉપરાંત ટ્રમ્પને વિવિધ દેશના નેતાઓ અને ઉદ્યોગપતિઓ તરફથી લક્ઝરી ગીફટ મળતી રહે છે. ટ્રમ્પને કતાર તરફથી 400 મિલિયન ડોલરના વિમાન મળ્યું હતું, જેને 'ફલાયિંગ પેલેસ' તરીકે ઓળખવામાં આવે છે. ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન દ્વારા દોહામાં એક લક્ઝરી ગોલ્ફ રિસોર્ટ બનાવવા માટે ડીલ થયા બાદ આ કતારે ટ્રમ્પને આ ભેટ આપી હતી.