નવી દિલ્હી: સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં એક મોટો ધડાકો થયો છે. જો તમે Gmail, Facebook, Netflix, કે Instagram જેવા લોકપ્રિય પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે. એક મીડિયા અહેવાલ મુજબ, અંદાજે 149 મિલિયન (14.9 કરોડ) યુનિક લોગિન આઈડી અને પાસવર્ડ લીક થયા છે.
કોનો કેટલો ડેટા ચોરાયો?
સુરક્ષા વિશ્લેષક જેરેમિયા ફાઉલર (Jeremiah Fowler) દ્વારા વિવિધ પ્લેટફોર્મનો ડેટાબેઝ શોધી કાઢવામાં આવ્યો છે, જે કોઈપણ સુરક્ષા કે પાસવર્ડ વિના ઓનલાઈન ઉપલબ્ધ હતો. ફાઉલરના જણાવ્યા અનુસાર, આ લીક થયેલા રેકોર્ડ્સ લગભગ તમામ મુખ્ય ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે. અંદાજે 48 મિલિયન Gmail, 40 મિલિયન Yahoo અને 1.5 મિલિયન Outlook એકાઉન્ટ્સનો ડેટા લીક થયો છે. 17 મિલિયન Facebook, 6.5 મિલિયન Instagram, 7.8 લાખ TikTok અને X (Twitter) ના યુઝર્સની વિગતો જોખમમાં છે. આશરે 3.4 મિલિયન Netflix એકાઉન્ટ ધારકો સહિત Disney Plus અને HBO Max ના પાસવર્ડ પણ લીક થયા છે. આ સિવાય નાણાકીય અને સરકારી એકાઉન્ટ્સ સાથે જોડાયેલી 4.2 લાખ લોગિન વિગતો પણ આ યાદીમાં સામેલ છે.
તપાસમાં બહાર આવ્યું છે કે આ ડેટાબેઝ 'ઇન્ફો સ્ટેલર' (Info Stealer) નામના ખતરનાક માલવેર દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ સોફ્ટવેર યુઝરના ડિવાઇસમાં ચૂપચાપ ઘૂસીને લોગિન વિગતો ચોરી લે છે. હેકર્સ દ્વારા આ ચોરાયેલો ડેટા સ્ટોર કરવા માટે ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
તમારા એકાઉન્ટને કેવી રીતે સુરક્ષિત રાખશો?
ડેટા લીકથી બચવા માટે નિષ્ણાતો કેટલીક સલાહ આપે છે. જેમાં દરેક પ્લેટફોર્મ માટે અલગ-અલગ પાસવર્ડ રાખવો જોઈએ. ઓછા 12 થી 16 અક્ષરોનો પાસવર્ડ ઓછામાં હોવો જોઈએ. તમારા તમામ મહત્વપૂર્ણ એકાઉન્ટ્સ પર ટુ-સ્ટેપ વેરિફિકેશન એક્ટિવેટ કરવું જોઈએ. આનાથી લોગિન વખતે તમારા મોબાઈલ કે ઈમેઈલ પર OTP આવશે, જે સુરક્ષાનું વધારાનું સ્તર પૂરું પાડે છે. આ સિવાય શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો અને સમયાંતરે પાસવર્ડ બદલતા રહો.