દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
બેસ્ટની બસ ગઈ ખાડામાં...
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં હાલ મોટા પાયા પર રસ્તાના સિમેન્ટ-કૉંક્રીટીકરણના કામ ચાલી રહ્યા છે, જેમાં અનેક જગ્યાએ રસ્તાઓને એકી સાથે ખોદી મૂકવામાં આવ્યા છે. ઘાટકોપર પૂર્વમાં પંતનગરમાં આંબેડકર સર્કલ પાસે રસ્તાના કાૅંંક્રીટીકરણ માટે ખોદવામાં આવેલા રસ્તા પર બુધવારે મોડી સાંજે બેસ્ટની બસ અંદર ઉતરી ગઈ હતી. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું. એ-૩૨૯ નંબરની આ બસ શિવાજી નગર ડેપોથી આગરકર ચોક અંધેરી જઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું.

રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ગુરુવારે બીજી વર્ષગાંઠ, ગુજરાતમાં કતલખાનાઓ બંધ રહેશે
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠને લઈને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 22 જાન્યુઆરીએ રામ લલ્લા પ્રતિષ્ઠા દિવસ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવામાં આવશે. ત્યારે આ દિવસે 22 જાન્યુઆરીએ ગુજરાતમાં કતલખાનાઓ બંધ રહેશે.
અભિષેકના 84માંથી 68 રન છગ્ગા-ચોગ્ગામાં, ભારત 12 ઓવરમાં 4/149
નાગપુરમાં ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતે પહેલી ટી-20માં 12 ઓવરના અંત સુધીમાં ચાર વિકેટના ભોગે 149 રન કર્યા હતા જેમાં સૌથી મોટો ફાળો અભિષેક શર્માનો હતો. તેણે માત્ર 35 બૉલમાં 84 રન ખડકી દીધા હતા. બાવીસ બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરનાર અભિષેકે આઠ છગ્ગા અને પાંચ ચોગ્ગા માર્યા હતા. બીજી રીતે કહીએ તો તેના 84માંથી 68 રન સિક્સર અને ફોરમાં જ બન્યા હતા. તેણે 84મા રને વિકેટ ગુમાવી દીધી હતી. તેની પહેલાં કૅપ્ટન સૂર્યકુમાર 32 રન બનાવીને આઉટ થયો હતો. બન્ને વચ્ચે ત્રીજી વિકેટ માટે 99 રનની ભાગીદારી થઈ હતી. બન્નેની વિકેટ બાદ હાર્દિક અને શિવમ દુબે જોડીમાં રમી રહ્યા હતા.
અભિષેક કિવીઓને બરાબરની મજા ચખાડે છે, 10 બૉલમાં ચાર છગ્ગા ફટકાર્યા
ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટી-20માં ભારતે બૅટિંગ મળ્યા બાદ માત્ર 27 રનમાં સૅમસન અને ઇશાન કિશનની વિકેટ ગુમાવી દીધી ત્યાર બાદ ઓપનર અભિષેક શર્મા (31 નૉટઆઉટ, 15 બૉલ, ચાર સિક્સર)એ કિવી બોલર્સની ખબર લઈ નાખી હતી. અભિષેકે 10 બૉલમાં ચાર સિક્સર ફટકારી હતી. તેની સાથે કૅપ્ટન સૂર્યકુમાર એક સિક્સર અને બે ફોરની મદદથી બનેલા 16 રને રમી રહ્યો હતો અને 6.1 ઓવરમાં ભારતનો સ્કોર 2/69 હતો.
Abhishek Sharma show in Nagpur.#INDvsNZ
— Cricupsdaily (@cricupsdaily) January 21, 2026
pic.twitter.com/Xzv5hoJ4p9
સૅમસન આઉટ, કિશને પણ બે ચોગ્ગા માર્યા બાદ વિકેટ ગુમાવી
નાગપુરમાં ન્યૂ ઝીલૅન્ડ સામે સિરીઝની પ્રથમ ટી-20માં બૅટિંગ મળ્યા બાદ ઓપનર અને વિકેટકીપર સંજુ સૅમસને (10 રન) વિકેટ ગુમાવી દીધી હતી. કાઇલ જૅમીસનના બૉલમાં તે મિડવિકેટ પર રચિન રવીન્દ્રના હાથમાં કૅચઆઉટ થયો હતો. અભિષેક શર્મા સાત રને રમી રહ્યો હતો, જ્યારે ઇશાન કિશને આવતાંવેંત જૅમીસનના બૉલમાં ફોર ફટકારી હતી અને ત્યાર પછીની જૅકબ ડફીની ઓવરમાં પણ ચોગ્ગો માર્યો હતો. જોકે કિશને પોતાના પાંચમા જ બૉલ પર વિકેટ ગુમાવી દીધી હતી. તે ડફીના બૉલમાં કવરમાં ચૅપમૅનને કૅચ આપી બેઠો હતો. આ અહેવાલ લખાયો ત્યારે ભારતનો સ્કોર 2/34 હતો. જોકે એ પહેલાં ભારત સાત બૉલમાં બે વિકેટ ગુમાવી બેઠું હતું.
ચેંબુરમાં એલપીજી ટેન્કર પલટાયું
ચેંબુરમાં આરસીએફ પાસે બુધવારે બપોરના એલપીજી ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું. પોલીસના જણાવ્યા મુજબ એચપીસીએલનું એલપીજી ભરેલું ટેન્કર બપોરના ચેંબુરના શંકર મંદિર રોડથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ૨.૧૫ વાગ્યાની આસપાસ માહુલ વિસ્તારમાં આરસીએફ નજીક ગવણપાડા રોડ પાસે પલટી ખાઈ ગયું હતું. ઘટના સ્થળે તરત ફાયરબિગ્રેડ અને એચપસીએલની ટોઈંગ વેન પહોંચી ગઈ હતી. સદ્નસીબે ટેન્કરમાંથી ગેસ ગળતર કે આગ લાગવા જેવી કોઈ દુર્ઘટના સર્જાઈ નહોતી અને મોડે સુધી ટેન્કરને હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ન્યૂ ઝીલૅન્ડ ટૉસ જીત્યું, ભારતની પ્રથમ બૅટિંગ
નાગપુરમાં ન્યૂ ઝીલૅન્ડે પાંચ મૅચવાળી સિરીઝની પહેલી ટી-20માં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી છે. ભારતે પહેલાં બૅટિંગ કરવી પડશે. પેસ બોલર ક્રિસ્ટિયન ક્લાર્કને ટી-20માં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે. બીજા પેસ બોલર્સમાં કાઇલ જૅમીસન અને જૅકબ ડફી સામેલ છે. ભારતીય ટીમમાં શ્રેયસ ઐયર, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ અને કુલદીપ યાદવનો સમાવેશ નથી. ભારતીય ટીમઃ સૂર્યકુમાર (કૅપ્ટન), અભિષેક શર્મા, સંજુ સૅમસન (વિકેટકીપર), ઇશાન કિશન, રિન્કુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી. ન્યૂ ઝીલૅન્ડની ટીમઃ મિચલ સૅન્ટનર (કૅપ્ટન), ડેવૉન કૉન્વે (વિકેટકીપર), ટિમ રૉબિન્સન, રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચૅપમૅન, ડેરિલ મિચલ, ક્રિસ્ટિયન ક્લાર્ક, કાઇલ જૅમીસન, ઇશ સોઢી અને જૅકબ ડફી.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં અશ્વિની વૈષ્ણવે કહ્યું ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે
સ્વિટ્ઝર્લૅન્ડમાં દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભારતના કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે ટૂંક સમયમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. આ ઉપરાંત તેમણે યુરોપિયન દેશો સાથે મોટી આર્થિક ભાગીદારીની આશા પણ વ્યક્ત કરી છે.
આઇસીસી નહીં ઝૂકે, બાંગ્લાદેશે ભારતમાં રમવું જ પડશે નહીં તો...
જાણવા મળ્યું છે કે આઇસીસીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને આદેશ આપી દીધો છે કે એ પોતાની સરકારને જણાવી દે કે જો બાંગ્લાદેશ પોતાના ક્રિકેટરોને ફેબ્રુઆરીના આગામી ટી-20 વર્લ્ડ કપની લીગ મૅચો માટે ભારત નહીં મોકલે તો આ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશના સ્થાને અન્ય કોઈ ટીમને આ વર્લ્ડ કપમાં રમવાનો મોકો અપાશે અને બાંગ્લાદેશની ટીમ બહાર થઈ જશે. બાંગ્લાદેશને નિર્ણય માટે વધુ એક દિવસ અપાયો છે. આ મુદ્દે આઇસીસીની મીટિંગમાં મતદાન થયું જેમાં આઇસીસીના બોર્ડના મોટા ભાગના મેમ્બર્સે બાંગ્લાદેશના સ્થાને બીજા કોઈ દેશને રમવાનો મોકો આપવાની તરફેણ કરી હતી. સ્કૉટલૅન્ડ આ વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય નહોતું થઈ શક્યું, પરંતુ હવે બાંગ્લાદેશ ટસનું મસ નહીં થાય તો સ્કૉટલૅન્ડનો વર્લ્ડ કપની ટીમોમાં સમાવેશ કરી દેવામાં આવશે.
આઇસીસીનો આજે બાંગ્લાદેશના મુદ્દે અંતિમ નિર્ણય, મીટિંગ શરૂ
આગામી સાતમી ફેબ્રુઆરીએ શરૂ થનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપ માટે પોતાના ક્રિકેટરોને ભારત ન મોકલવા બાંગ્લાદેશ હઠ પકડીને બેઠું છે અને એ મુદ્દે આઇસીસી આજે અંતિમ નિર્ણય લેશે અને એ માટેની આઇસીસીની અત્યંત મહત્ત્વની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં આઇસીસી ચૅરમૅન જય શાહ ઉપરાંત તમામ મુખ્ય ક્રિકેટ-રાષ્ટ્રોના ડિરેકટરો (મુખ્ય હોદ્દેદારોમાંથી એક મેમ્બર) હાજર છે. ભારત વતી બીસીસીઆઇના સેક્રેટરી દેવાજિત સૈકિયા આ મીટિંગમાં ઉપસ્થિત છે. બાંગ્લાદેશ વતી ક્રિકેટ બોર્ડના પ્રમુખ અમિનુલ ઇસ્લામ રજુઆત કરી રહ્યા છે. બાંગ્લાદેશ પોતાની ટીમને અસલામતીના ડરથી ભારત નથી મોકલવા માગતું. જોકે આઇસીસી એને પૂરી સલામતીની ખાતરી આપે છે.
ગુજરાતમાં ૩૨ લાખથી વધુ ખેડૂતોને સહાઈ ચૂકવાઈ
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ ૩૨ લાખથી વધુ ખેડૂતોને અત્યાર સુધીમાં રૂ. ૯,૪૬૬ કરોડથી વધુ સહાય ચૂકવાઈ હોવાનું પ્રવક્તા પ્રધાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું, જમીન સુધારણા અંગે ૩૧ હજારથી વધુ ખેડૂતોને કુલ રૂ. ૧૦૪ કરોડથી લધુની સહાયની ચૂકવાઈ છે.
યુવક–સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ ગીર ગામમાં કરૂણ ઘટના સામે આવી છે. સમાજ કે પરિવાર તેમના પ્રેમ સંબંધમાં દખલ કરશે અને દુનિયા તેમને સાથે રહેવા દેશે નહીં તે ડરથી, એક યુવક અને એક સગીરા એકસાથે આત્મહત્યા કરી હતી. જેનાથી સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો હતો.
ઝોમેટોના સીઈઓ પદેથી દીપિન્દર ગોયલનું રાજીનામું, અલબિંદર ધીંડસા બન્યા એટરનલ ગ્રુપના સીઈઓ
ઝોમેટોના ફાઉન્ડર દીપિન્દર ગોયલે કંપનીના ગ્રુપ સીઈઓ પદેથી રાજીનામું આપી દીધું છે. ઝોમેટોની પેરેન્ટ કંપની એટરનલ નેતૃત્વ પરિવર્તનના ભાગ રૂપે આ જાહેરાત કરવામાં આવી છે. આ અંગે શેરધારકોની મંજૂરી મળ્યા બાદ દીપિન્દર ગોયલે રાજીનામું આપ્યું છે. તેમજ તાત્કાલિક અસરથી અલબિન્દર ધીંડસાને એટરનલના નવા ગ્રુપ સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
નેપાળમાં યોજાનારી ચૂંટણી પૂર્વે રાજકારણ તેજ, ચાર મંત્રીઓએ રાજીનામાં આપ્યા
નેપાળમાં યોજાનારી ચૂંટણી પૂર્વે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. જેમાં કાર્યવાહક વડાપ્રધાન સુશીલા કાર્કીના નેતૃત્વ હેઠળની સરકારના ચાર મંત્રીઓએ ચૂંટણી લડવા માટે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ મંત્રીઓએ 5 માર્ચે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભર્યા છે.
મોદી સરકારનો મોટો નિર્ણય, અટલ પેન્શન યોજનાને વર્ષ 2030 - 31 સુધી લંબાવાઈ
મોદી સરકારે અસંગઠીત અને ઓછી આવક ધરાવતા લોકોને રાહત આપતો નિર્ણય કર્યો છે. જેમાં અટલ પેન્શન યોજનાને કેબીનેટે વર્ષ 2030 - 31 સુધી લંબાવાનો નિર્ણય લીધો છે. સરકારનું આ પગલું વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવે છે.
ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલનું નામ જાહેર
ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. કન્વીનર મીટ 2026માં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. હવેથી ખોડલધામના સંગઠનને લગતા કામકાજ અનાર પટેલ સંભાળશે.