Tue Jan 27 2026

Logo

White Logo

નહોતી ખબર કે આ છેલ્લી સફર હશે: ભચાઉમાં માર્ગ અકસ્માતે માતા-પુત્રનો જીવ લીધો...

1 day ago
Author: Mayur Patel
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજ:  પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના નવી મોટી ચીરઇ અને જૂની મોટી ચીરઇ ગામ વચ્ચેના માર્ગ પર આડશ-સાઈનબોર્ડ વિના ઉભેલા આઇસર ટેમ્પોની પાછળ એક પેસેન્જર રિક્ષા ધડાકાભેર ભટકાતાં તેમાં સવાર શેરબાનુ સાંઘાણી તથા તેમના બે વર્ષીય પુત્ર નાદિરના ઘટનાસ્થળે મોત નીપજતાં પંથકમાં ગમગીની પ્રસરી હતી. 

બનાવ અંગે ભચાઉના નાની ચીરઇ ગામના કુંભાર વાસમાં રહેતા તાસિમ સાલેમામદ સાંઘાણીએ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની પત્ની શેરબાનુ, બે વર્ષીય પુત્ર તાહિર ગત તા. ૨૦ જાન્યુઆરીના સવારના અરસામાં ખરીદી કરવા માટે ભચાઉ ગયા હતા. ખરીદી પૂર્ણ કરીને પોતાની રિક્ષા (નંબર જી.જે.-૧૨-એ.વાય-૧૯૬૩) લઇને પરત ઘરે આવી રહ્યા હતા. 

તેઓ નવી મોટી ચીરઇ અને જૂની મોટી ચીરઇ વચ્ચે પહોંચ્યા ત્યારે આગળ જઈ રહેલી ટ્રકને ઓવરટેક કરવા જતાં આગળ કોઇ પણ જાતના સિગ્નલ કે આડશ મૂક્યા વિના રસ્તા પર ઉભેલા આઇસર ટેમ્પો (નંબર જી.જે.-૧૨-બી.વાય-૨૬૭૩)માં તેમની રિક્ષા ટકરાઈ જતાં સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં પુત્ર અને તેની માતાને ગંભીર ઇજાઓ થઇ હતી. માતા-પુત્રને તાત્કાલિક આદિપુરની રામબાગ હોસ્પિટલે લઇ જવાયા હતા. જ્યાં બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે માતાએ ટૂંકી સારવાર બાદ છેલ્લા શ્વાસ લીધા હતા. ટેમ્પો ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી  હતી.