મુંબઈઃ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણીના પરિણામો પછી પણ હજી રાજકીય આક્ષેપબાજી ચાલુ જ છે. સામાન્ય રીતે વિપક્ષ પરિણામો પર પ્રશ્નો ઉઠાવતા હોય છે, પરંતુ આ વખતે પહેલીવાર શાસક પક્ષના કોઈ વિધાનસભ્યએ પોતાની જ પાર્ટી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે, જે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
મુંબઈના વોર્ડ નંબર 200ના ભાજપના ઉમેદવારની હાર બાદ, સ્થાનિક ભાજપના વિધાનસભ્ય કાલિદાસ કોળમ્બકરે પાર્ટી નેતૃત્વને પત્ર લખીને તપાસની માંગ કરી છે. તેમણે વોર્ડ 200ના ચૂંટણી પરિણામોને શંકાસ્પદ ગણાવ્યા અને તેને પાર્ટી માટે મોટું નુકશાન ગણાવ્યું હતું.
એક મુલાકાતમાં કાલિદાસ કોળમ્બકરે કહ્યું કે વોર્ડ 200ને 'એ પ્લસ' બેઠક માનવામાં આવતી હતી અને બધા સર્વે ભાજપના ઉમેદવારની જીતની આગાહી કરી રહ્યા હતા. આમ છતાં, અહીં પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો. તેમનો આરોપ છે કે આ હાર પાર્ટીની અંદરના જૂથવાદને કારણે થઈ, જેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
ચૂંટણીના પરિણામો પછી વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો વચ્ચે શાસકપક્ષના વિધાનસભ્યનું આ રીતે આગળ આવવું ભાજપ માટે અસ્વસ્થતાભરી પરિસ્થિતિ ઉભી કરી રહ્યું છે. કોલંબકરે ભલે કોઈનું નામ ન લીધું હોય, પરંતુ તેમણે એમ ચોક્કસ કહ્યું હતું કે તેમને નુકસાન પહોંચાડવા માટે આંતરિક કાવતરું ઘડવામાં આવ્યું હતું. આના પરથી સ્પષ્ટ થાય છે કે તેમને પોતાના જ પક્ષના કેટલાક લોકો પર શંકા છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે દાવોસથી મુંબઈ પરત ફરી રહ્યા છે ત્યારે ભાજપ નેતૃત્વ આ ફરિયાદને કેટલી ગંભીરતાથી લે છે અને વોર્ડ 200ની હારની આંતરિક તપાસ શરૂ કરવામાં આવશે કે કેમ તેના પર હવે બધાની નજર છે.