નવી દિલ્હી: ડિજીટલ બેન્કિંગનો વ્યાપ વધવાની સાથે સાથે સાઈબર ફ્રોડની ઘટનાઓ પણ સતત વધી રહી છે, એવામાં ખાતાધારકોના નાણાની સુરક્ષા માટે સરકાર એક મહત્વની સુવિધા શરુ કરવા જઈ રહી છે. અહેવાલ મુજબ હવેથી UPI અને બેંકિંગ એપ્લિકેશન્સમાં "ફ્રીઝ બટન” કે “કિલ સ્વિચ” ફરજીયાત કરવામાં આવશે, જેની મદદથી એક ટચથી જ ખાતા ફ્રીઝ કરી શકાશે અને અનધિકૃત ફંડ ટ્રાન્સફર તુરંત અટકાવી શકાશે.
અહેવાલ મુજબ "ડિજિટલ અરેસ્ટ સ્કેમ"ને રોકવા માટે ડિસેમ્બરના અંતમાં રચાયેલી આંતર-વિભાગીય સમિતિ દ્વારા આ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ સમિતિમાં મીનીસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકમ્યુનિકેશન, ડીપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસ, RBI, CBI, NIA, દિલ્હી પોલીસ અને ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) સહિત અન્ય મંત્રાલયો અને એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓનો સામેલ છે. ગૃહ મંત્રાલયના વિશેષ સચિવ (આંતરિક સુરક્ષા) આ પેનલના પેનલની અધ્યક્ષ છે.
માત્ર એક ટચથી તમામ ખાતા ફ્રિઝ:
અહેવાલ મુજબ ગૃહ મંત્રાલય UPI અને બેંકિંગ એપ્સમાં "ફ્રીઝ" અથવા "કિલ સ્વિચ" ફરજીયાત બનાવવા અંગે વિચાર કરી રહી છે. જો કોઈ ખાતા ધારકને શંકા થાય કે તેના ખાતામાંથી અનધિકૃત ફંડ ટ્રાન્સફર થઇ રહ્યું છે, તો તે આ બટનનો ઉપયોગ કરીને તમામ ખાતા ફ્રિઝ કરી શકે છે, જેથી કોઈ મોટી છેતરપિંડી રોકી શકાય.
અહેવાલ મુજબ એપમાં પરિવાર અને બેંકનો સંપર્ક કરવાનો વિકલ્પ પણ આપવા આવશે. આ બટન દબાવવાથી પરિવારજનો અને બેંકને એક એલર્ટ મળી જશે .
ઈન્સ્યોરન્સ ફ્રોડ રોકવા પણ વિચારણા:
સરકાર ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં થતી છેતરપિંડી અટકાવવા માટે પણ મહત્વના પગલા ભરવા જઈ રહી છે. ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં થતી છેતરપિંડી અટકાવવા ભારતીય રિઝર્વ બેંક(RBI)એ આવા કેસોને ઉકેલવા માટે ડિજિટલ પેમેન્ટ્સ પ્રોટેક્શન ફંડ સ્થાપવાનું પણ સૂચન કર્યું છે. જો કોઈ પણ છેતરપિંડી થાય તો તેને યુઝરની ભૂલ નહીં, પરંતુ સિસ્ટમ-વાઈડ રિસ્ક તરીકે ગણવામાં આવશે.