કિશોર વ્યાસ
જરૂરિયાતો વધી ગઈ છે, પહોંચી નથી વળાતું, કોઈ એક જણાની કમાણીથી... કે પછી જે કમાણી છે, તે ઓછી પડે છે. ઘર-વ્યવહાર ચલાવવાં મુશ્કેલ બની ગયાં છે આવી સ્થિતિને સપાટી પર લાવતી ચોવક છે: ‘ઉઠ લમૂં ને પુછ ટૂંકો’ અહીં ઉપયોગમાં લેવાયેલા શબ્દોમાં ‘ઉઠ’ એટલે ઊંટ ‘લમૂં’ નો અર્થ થાય છે લાંબો અને ‘પુછ’ એટલે ‘પૂંછડું’.. શબ્દાર્થ છે: ઊંટ લાંબો અને પૂછડું નાનું અથવા ટૂંડું, જ્યારે ભાવાર્થ એવો છે કે, જરૂરિયાત કરતાં ઓછું હોવું!
એક બીજી નાની પણ ઉપદેશક ચોવક છે: ‘કુત્તે વારો કૉલ’ જો કે પ્રથમ નજરે જોવા જઈએં તો, કૂતરા ક્યારેય વચન ન આપી શકે. ચોવકનો શબ્દાર્થ છે, ‘કૂતરા વાળું વચન’! અહીં ‘કુત્તે વારો’ એટલે કૂતરાનું, ‘કૉલ’ એટલે વચન. પણ ભાવાર્થ એવો થાય છે કે, જે વચન પાળી જ ન શકે, તેને ‘કૂતરાવાળાં વચન’ તરીકે ઓળખવામાં આવે છે. સાધ્ય માટે કૂતરાને સાધન બનાવવામાં આવ્યો છે.
ચોવક છે : ‘ચુકો ઉઠ કેં, ડંભ ગડો઼ડો કે.’ ‘ચુકો’ એટલે અહીં નુકસાન સમજવું. ‘ઉઠ’ એટલે ‘ઊંટ’. ‘ડંભ’નો અર્થ થાય છે દામ કે ડામ. ‘ગડો઼ડો’ એટલે ગધેડાને! શબ્દાર્થ સ્પષ્ટ થઈ ગયો... નુકસાન ઊંટ કરે અને માર ગધેડો ખાય! ભાવાર્થ પણ એટલો જ સરળ છે. જેમ ‘પાડાના વાંકે પખાલીને ડામ’! કોઈકની ભૂલ અને સજા અન્ય કોઈને!
દિવસ અને રાતે થતાં કામમાં પણ ફરક હોય છે. દિવસે કરેલાં કામોમાં સાર્વત્રિક અસર જોવા મળે છે. ભરકત હોય છે, તેવું ચોવક કહે છે: ‘ડીં સે સીં ને રાત સે રિઢ’ ચોવકમાં ઉપયોગમાં લેવાયેલા એકાક્ષરી શબ્દોની અહીં કમાલ પણ બતાવી છે. ‘ડીં’ એટલે ‘દિવસ’ અને ‘સીં’નો અર્થ છે ‘સિંહ’. ‘સે’નો અર્થ થાય ‘એ’ અથવા ‘એટલે’ અને ‘રિઢ’ એટલે ‘ઘેટું’. ચોવકનો શબ્દાર્થ છે, ‘દિવસ એ સિંહ છે અને રાતે એ ઘેટાં સમાન છે. દિવસ અને રાતનું એ રીતે મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. દિવસે કામ કરવા માટે શરીરમાં સિંહ જેવી શક્તિ અને સૂઝ હોય છે. જ્યારે રાત્રે જે કામ થાય તે શિથિલતાથી થાય છે!ભાવાર્થ પણ સ્પષ્ટ થઈ ગયો કે ‘દિવસે જ ધાર્યાં કામ થાય’!
કોઈપણ કાર્યની ઉતાવળ યોગ્ય નથી ગણાતી. ઘણા લોકોનો ઉતાવળિયો સ્વભાવ હોય છે, પણ એમ કરતાં કંઈકને કંઈક ભૂલાઈ જાય અને ભૂલ યાદ આવતાં ફરી પાછા ફરવું પડતું હોય છે અને એટલે જ આ ચોવક - પ્રયોજાતી હશે કે : ‘તક઼ડો તેરો વેરા વરે” મતલબ કે, ઉતાવળો માણસ ભૂલ સુધારવા તેર વખત પાછો ફરે! વપરાયેલા શબ્દોમાં ‘તકડો’ એટલે ઉતાવળિયો. ‘તેરો વેરા’ એટલે તેર વખત અને ‘વરે’નો અર્થ થાય પાછો વળે! પણ ચોવકને કહેવું એમ છે કે, ‘અવિચારી પણે કે ઉતાવળે આદરેલું કે પૂરું કરેલું કામ સમુંસૂતરું પાર ન પડે!’
ગુજરાતીમાં ઘણી વખત આપણે એક કહેવતનો ઘણી વાર ઉપયોગ કરાતો જોયો છે કે, ‘ખેતરપાળની ખેડ ન કરાય’ અહીં ‘ખેડ’ શબ્દ ‘છેડ’ શબ્દના બદલે વપરાયો છે. ચોવક પણ એવા જ અર્થમાં વપરાય છે: ‘પાણીને આગજી ખિલ ન કજે’. ‘ખિલ’ એટલે રમત, છેડછાડ, મસ્તી કે મજાક. શબ્દો દ્વારા ચોવક કહે છે કે, આગ અને પાણી સાથે રમત ન કરવી જોઈએ, કારણ કે, એમાં ભારોભાર જીવનું જોખમ રહેલું છે. ભાવાર્થ પણ એવોજ થાય છે કે, આગ અને પાણીનો ભરોસો ન કરવો જોઈએ. એ બંને કુદરતી પરિબળો માણસની ધારણા બહાર ખતરનાક સાબિત થઈ શકે છે.