Tue Jan 27 2026

Logo

White Logo

અકસ્માત નહીં પણ હત્યા! કોંગ્રેસ નેતાના ભત્રીજાએ જ પત્નીને ગોળી મારી? ફોરેન્સિક તપાસમાં મોટો ધડાકો...

3 days ago
Author: Tejas
Video

અમદાવાદ: શહેરના બોડકદેવ વિસ્તારમાં બનેલી નવપરિણીત દંપતીના મોતના મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અગાઉ જેને અકસ્માતે થયેલું ફાયરિંગ માનવામાં આવતું હતું, તે હવે હત્યા અને આત્મહત્યાનો ગંભીર ગુનો સાબિત થયો છે. આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધો છે, કારણ કે પોલીસ તપાસમાં જે તથ્યો સામે આવ્યા છે તે અગાઉની થિયરી કરતા બિલકુલ અલગ છે.

ઘટના એવી બની હતી કે, અમદાવાદના બોડકદેવ પાસે આવેલા એનઆરઆઈ ટાવરમાં 21 અને 22 જાન્યુઆરીની મધ્યરાત્રિએ સર્જાયેલી આ ઘટનામાં હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નવી એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. એસીપી જયેશ ડી. બ્રહ્મભટ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, 35 વર્ષીય યશકુમારસિંહજી ગોહિલે તેની પત્ની રાજેશ્વરીબાના માથાના પાછળના ભાગે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારી હતી. પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયા બાદ યશકુમારે એ જ હથિયારથી પોતાને પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.

શરૂઆતમાં આ કેસને અકસ્મિક રીતે થયેલા ફાયરિંગ તરીકે જોવામાં આવતો હતો, પરંતુ ફોરેન્સિક અને બેલેસ્ટિક તપાસમાં કંઈક અલગ જ બહાર આવ્યું. નિષ્ણાતોના મતે, રિવોલ્વરનું ટ્રીગર ચોક્કસ બળ આપીને દબાવ્યા વગર આપમેળે ગોળી છૂટી શકે તેમ નહોતી. આ તારણ પરથી સ્પષ્ટ થયું કે ફાયરિંગ અકસ્માત નહોતો પણ ઈરાદાપૂર્વક કરવામાં આવ્યું હતું. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યશકુમારે પત્નીને ગોળી માર્યા બાદ 108 એમ્બ્યુલન્સને પણ ફોન કર્યો હતો, પરંતુ તે પહેલા જ પત્નીનું અવસાન થઈ ચૂક્યું હતું.

બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અસારવા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. તબીબી અહેવાલોએ પુષ્ટિ કરી છે કે બંનેના મોત માથામાં ગોળી વાગવાથી થયેલા આઘાત અને હેમરેજને કારણે થયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ભાવનગર જિલ્લામાં નોંધાયેલી લાયસન્સવાળી રિવોલ્વર જપ્ત કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે રિવોલ્વરમાં માત્ર બે જ રાઉન્ડ લોડ કરવામાં આવ્યા હતા અને તે બંનેનો ઉપયોગ આ દુર્ઘટનામાં થયો હતો.

આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 103(1) અને આર્મ્સ એક્ટની કલમ 30 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વસ્ત્રાપુર પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આખરે એવા કયા સંજોગો હતા અથવા શું ઉશ્કેરણી હતી જેના કારણે યશકુમારે આવું ગંભીર પગલું ભર્યું. દંપતીના લગ્નને હજુ થોડો જ સમય થયો હતો, ત્યારે આ પ્રકારની ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.