Tue Jan 27 2026

Logo

White Logo

અમેરિકા બરફમાં થીજ્યુંઃ 9 હજારથી વધુ ફલાઈટ્સ રદ, અનેક રાજ્યોમાં ઈમરજન્સી જાહેર

Washington DC   2 days ago
Author: MayurKumar Patel
Video

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકામાં  બરફીલા તોફાનને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એક અઠવાડિયામાં 9000થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે. અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ છે. આ તોફાનની અસર અમેરિકાની 40 ટકા વસ્તી પર પડી છે. રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 10 રાજ્યોમાં ઈમરજન્સી  જાહેર કરી છે. 

કેટલા રાજ્યોમાં ઈમરજન્સી કરાઈ જાહેર

અમેરિકાના હવામાન વિભાગે, સોમવાર સુધી દક્ષિણ રોકી પર્વતથી ન્યૂ ઈંગ્લેન્ડ સુધી ભારે હિમવર્ષાનું પૂર્વાનુમાન લગાવ્યું છે. જેના કારણે લોકોને આગામી દિવસોમાં કડકડતી ઠંડી માટે તૈયાર રહેવા જણાવ્યું છે.'વિન્ટર સ્ટોર્મ ફર્ન' શનિવાર અને રવિવારે અડધાથી વધુ અમેરિકા પર ત્રાટકવાની આશંકા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વિન્ટર સ્ટોર્મ ઓક્લાહોમા સિટીથી લઈને ન્યૂયોર્ક, બોસ્ટન સુધી 2300 માઈલ વિસ્તારમાં ફેલાઈ શકે છે, જેને પગલે 17 રાજ્યોએ ઈમરજન્સી જાહેર કરી છે તથા 23 કરોડથી વધુ લોકો તેની ઝપેટમાં આવી શકે છે. બરફના તોફાનના જોખમના પગલે 9500થી વધુ ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ છે. 

 

 6 લાખ ધાબળાનું કરાયું વિતરણ

અમેરિકાના હવામાન વિભાગના અંદાજ મુજબ બરફીલું તોફાન માત્ર પર્વતીય પ્રદેશો નહીં પરંતુ મેદાની વિસ્તારોમાંથી પણ પસાર થઈ શકે છે. નેશનલ વેધર સર્વિસે પૂર્વીય ટેક્સાસથી ઉત્તરીય કેરોલીના સુધી બરફના થર જામી શકે છે. બરફના તોફાન વચ્ચે શનિવારે સવારે વીજળી ગુલ થઈ જતાં હીટર બંધ થઈ જવાથી 67000થી વધુ અમેરિકનોએ હાડગાળતી ઠંડીમાં મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડયો હતો. બરફના તોફાનનો સામનો કરવા માટે ફેમાએ લગભગ 30 સર્ચ અને રેસ્ક્યુ ટીમને એલર્ટ પર રાખી છે. ઉપરાંત તોફાનગ્રસ્ત વિસ્તારોમાં 70 લાખથી વધુ ભોજન પેકેટ, 6 લાખ ધાબળા અને 300 જનરેટર પહોંચાડાયા છે.

કરિયાણાની દુકાનો બહાર લાંબી લાઈનો

અમેરિકાના અનેક વિસ્તારોમાં ખૂબ જ મોટી સંખ્યામાં બરફ જામી શકે છે અને તેથી લાંબા સમય માટે વીજળી ગુલ થવાની પણ શક્યતા છે. ઉપરાંત રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થવાની આશંકા છે. લોકોએ તોફાનના ડરથી કરિયાણાની દુકાનો બહાર લાંબી લાઈનો લગાવી છે. અનેક સ્ટોર્સમાં કેટલાક કલાકોમાં જ સામાન ખૂટી પડયો હતો. આ તોફાનના કારણે અમેરિકાની અડધાથી વધુ વસતીએ શૂન્યથી નીચેના તાપમાનનો સામનો કરવો પડી શકે છે. 

અમેરિકામાં લોકોનું જનજીવન ખોરવાઈ ગયું 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકામાં આ શનિવાર અને રવિવારે રેકોર્ડ કોલ્ડ વેવ અને અસાધારણ બરફના તોફાન અંગે મને માહિતી અપાઈ છે. ટ્રમ્પ સરકાર રાજ્યો અને સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરી રહી છે. ફેમા આ તોફાનનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે લોકોને સુરક્ષિત અને સલામત રહેવા સલાહ પણ આપી હતી. આ બરફના તોફાનના કારણે અમેરિકામાં લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે.