મુંબઈઃ રાજકારણમાં આરોપ-પ્રત્યારોપ નવા નથી. જોકે, કેટલાક એવા કિસ્સાઓ છે જે સમગ્ર રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી દે છે. આવો જ એક બહુચર્ચિત કેસ 'મહારાષ્ટ્ર સદન કૌભાંડ' છે. 10,000 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપો, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની એન્ટ્રી અને વર્ષો સુધી ચાલેલી કાનૂની લડાઈમાંથી છગન ભુજબળનો છુટકારો થયો છે.
રાજકીય વર્તુળોમાં બહુચર્ચિત આ કેસના મૂળિયા 2004-05માં મુંબઈના અંધેરી પશ્ચિમ વિસ્તારમાં આરંભાયેલા એક ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. જેમાં 'શ્રી ચમનકર એન્ટરપ્રાઇઝ' ને અંધેરી આરટીઓના પ્લોટ પર વિવિધ બાંધકામો કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
તત્કાલિન મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખની અધ્યક્ષતામાં લેવાયેલા આ નિર્ણયમાં એક મહત્વની શરત એ હતી કે બિલ્ડરે મુંબઈમાં કામ કરવાની સાથે નવી દિલ્હીમાં 100 કરોડ રૂપિયાના ખર્ચે 'મહારાષ્ટ્ર સદન' અને 'હાઈ માઉન્ટ ગેસ્ટ હાઉસ' ઉભા કરવાના રહેશે. આના બદલામાં સરકારે બિલ્ડરને 21,000 ચોરસ મીટરનો ટીડીઆર એટલે કે વિકાસ અધિકારો આપવાનું વચન આપ્યું હતું, જેનો ઉપયોગ કરીને બિલ્ડરે મોટો નાણાકીય ફાયદો મેળવ્યો હોવાના આક્ષેપો થયા હતા.
આ વ્યવહારમાં 10,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનો સનસનાટીભર્યો આરોપ 2013માં તત્કાલિન ભાજપ નેતા કિરીટ સોમૈયાએ લગાવ્યો હતો. ત્યાર બાદ આમ આદમી પાર્ટીના નેતા અંજલિ દમણિયાએ હાઈકોર્ટમાં અરજી કરીને નિયમોના ઉલ્લંઘનનો દાવો કર્યો હતો. આ કિસ્સામાં છગન ભુજબળ પર બિલ્ડરને અયોગ્ય લાભ પહોંચાડવાનો અને તેમાંથી આર્થિક ફાયદો મેળવવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે તેમણે બે વર્ષથી વધુ સમય જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો.
જોકે, વર્ષો સુધી ચાલેલી તપાસ અને કાનૂની લડાઈ બાદ 2021માં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ તેમને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. હવે તાજેતરમાં ઇડીની ખાસ કોર્ટે પણ તેમને આ મામલે ક્લીન ચિટ આપીને નિર્દોષ જાહેર કરતાં આ હાઈ-પ્રોફાઈલ કૌભાંડના પ્રકરણ પર કાયદેસર રીતે પૂર્ણવિરામ મુકાયું છે.