Tue Jan 27 2026

Logo

White Logo

બાંગ્લાદેશની અપીલ પર સુનાવણી કરવાનો ડીઆરસીને અધિકાર નહીંઃ સ્કોટલેન્ડની ટી-20 વર્લ્ડકપમાં રમવાની વધી સંભાવના

4 days ago
Author: Mumbai Samachar Team
Video

નવી દિલ્હીઃ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કમિટી (ડીઆરસી)ને પત્ર લખીને રાષ્ટ્રીય પુરુષ ટીમની ટી20 વર્લ્ડ કપ મેચ ભારતમાં યોજવાના ગવર્નિંગ કાઉન્સિલના નિર્ણયને ઉલટાવી દેવાની માંગ કરી છે. જોકે, આ મામલો પેટા-સમિતિના અધિકારક્ષેત્રની બહાર હોવાથી અપીલની સુનાવણી કરવામાં આવશે નહીં. જોકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ સ્કોટલેન્ડને સ્ટેન્ડબાય પર રાખ્યું છે. ડીઆરસી સમિતિની અધ્યક્ષતા ઇંગ્લેન્ડના માઈકલ બેલોફ (કિંગ્સ કાઉન્સિલ કરે છે.

બીસીબીના એક સૂત્રએ નામ ન આપવાની શરતે મીડિયાને જણાવ્યું, "હા, બીસીબીએ ડીઆરસીનો સંપર્ક કર્યો છે કારણ કે તે તેના તમામ વિકલ્પોનો ઉપયોગ કરવા માંગે છે. જો ડીઆરસી બીસીબી વિરુદ્ધ ચુકાદો આપે છે, તો બીજો એકમાત્ર વિકલ્પ સ્વિટ્ઝર્લૅન્ડમાં કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (સીએએસ) બાકી છે.

અગાઉ, બાંગ્લાદેશની વચગાળાની સરકાર અને રમતગમત મંત્રાલયના સલાહકાર આસિફ નઝરુલે જાહેરાત કરી હતી કે બાંગ્લાદેશની ટીમ "સુરક્ષાના કારણોસર" ભારતનો પ્રવાસ કરશે નહીં.. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના નિર્દેશ પર અનુભવી ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાંથી હટાવ્યા બાદ સમગ્ર વિવાદ શરૂ થયો હતો.

ડીઆરસીના "કાર્યક્ષેત્ર અને અધિકાર" ની સમીક્ષા સ્પષ્ટપણે દર્શાવે છે કે તેને આઈસીસી બોર્ડ ઓફ ડિરેક્ટર્સના કોઈપણ નિર્ણય સામે અપીલ સાંભળવાનો કોઈ અધિકાર નથી. આઈસીસી બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સ્વતંત્ર સુરક્ષા મૂલ્યાંકન પછી ભારતમાં બાંગ્લાદેશની મેચોનું આયોજન કરવાના પક્ષમાં 14-2થી ભારે મત આપ્યો હતો. તે મૂલ્યાંકનમાં સુરક્ષા ખતરાને "ઓછાથી મધ્યમ" ગણાવ્યો હતો. આમ છતાં નઝરુલે આગ્રહ કર્યો હતો કે આ નિર્ણય સરકારે કરવાનો છે બીસીબીએ નહીં. 

ડીઆરસીના "કાર્યક્ષેત્ર અને અધિકાર"ની કલમ 1.3 અનુસાર, "સમિતિ આઈસીસી અથવા તેના અધિકારક્ષેત્ર હેઠળ રચાયેલી કોઈપણ નિર્ણય લેતી સંસ્થાના નિર્ણયો સામે અપીલ સંસ્થા તરીકે કાર્ય કરશે નહીં."

આઈસીસી બોર્ડના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "બાંગ્લાદેશ ડીઆરસીનો સંપર્ક કરી શકે છે પરંતુ નિયમો મુજબ, આ મામલાની સુનાવણી થઈ શકતી નથી કારણ કે સમિતિ પાસે બોર્ડ ઓફ ડિરેક્ટર્સના નિર્ણય સામે અપીલ સાંભળવાનો અધિકાર નથી. બાંગ્લાદેશના સંભવિત રિપ્લેસમેન્ટ અંગેનો ઔપચારિક નિર્ણય શનિવાર સુધીમાં જાહેર કરવામાં આવશે.