વૅનના ડ્રાઈવરની ધરપકડ: સતર્કતા ખાતર રેલવે સ્ટેશન પરિસર અને શાળા ફરતે કડક સુરક્ષા ગોઠવી દેવાઈ
મુંબઈ: બદલાપુરની શાળામાં જ ચાર વર્ષની બે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટનાને હજુ બે વર્ષ પણ નથી વીત્યાં ત્યાં ફરી બદલાપુરની જ ખાનગી શાળાની ચાર વર્ષની બાળકી સાથે સ્કૂલ વૅનમાં કુકર્મ આચરવાની ઘટના સામે આવી હતી. સ્કૂલ વૅનના ડ્રાઈવરે વિદ્યાર્થિની પર કરેલા જાતીય હુમલાની વાત ફેલાતાં જ બદલાપુરમાં ફરી આક્રોશ નિર્માણ થયો હતો. લોકોના રોષની જ્વાળા ભભૂકી ઊઠે તે પહેલાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી હતી અને સતર્કતા ખાતર બદલાપુર રેલવે સ્ટેશન પરિસર અને શાળા ફરતે કડક સુરક્ષા ગોઠવી દીધી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર ઘટના ગુરુવારની બપોરે બની હતી. રોજ કરતાં બાળકી ઘરે ખાસ્સી મોડી પહોંચ્યા પછી ઘણી ડરેલી જણાતી હતી. માતાએ વિશ્ર્વાસમાં લઈ પૂછતાં બાળકીએ તેની સાથે બનેલી બીના જણાવી હતી. આ પ્રકરણે બદલાપુર પશ્ર્ચિમ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. કોર્ટે તેને 27 જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
ચાર વર્ષની બાળકી ઘરથી ત્રણેક કિલોમીટરના અંતરે આવેલી ઈંગ્લિશ મિડિયમની જાણીતી શાળામાં જુનિયર કેજીમાં ભણે છે. તે સ્કૂલ વૅનમાં શાળાએ આવ-જા કરતી હતી. રોજ બપોરે 12.30 વાગ્યાની આસપાસ તે ઘરે પાછી ફરતી હતી, પરંતુ ગુરુવારે ખાસ્સું મોડું થયા છતાં તે ઘરે ફરી નહોતી. માતાએ વારંવાર વૅનના ડ્રાઈવરને કૉલ કર્યા હતા. આખરે બાળકી દોઢેક કલાક મોડી ઘરે પહોંચી હતી.
ઘરે આવી ત્યારે બાળકી ઘણી ડરેલી જણાતી હતી. માતાએ શાંતિપૂર્વક વિશ્ર્વાસમાં લઈ તેની પૂછપરછ કરી હતી. બાળકીએ તેની સાથે બનેલી ઘટનાની જાણ કરતાં માતાને આંચકો લાગ્યો હતો. તાત્કાલિક માતા-પિતા અને પડોશીઓ સ્કૂલે પહોંચ્યાં હતાં. કહેવાય છે કે શાળા પ્રશાસન દ્વારા યોગ્ય સહકાર ન મળતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તરત જ આરોપી ડ્રાઈવરને તાબામાં લઈ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બદલાપુરની એક ખાનગી શાળામાં બાળકીઓ સાથે સફાઈ કર્મચારી અક્ષય શિંદે દ્વારા કુકર્મ આચરવાની ઘટના બની હતી. તે સમયે નાગરિકોનો રોષ ફાટી નીકળ્યો હતો. તોડફોડ કરવાની સાથે રેલરોકો કરવામાં આવ્યું હતું. કલાકો સુધી ટ્રેનોને બાનમાં લેવામાં આવી હતી, જેને પગલે ભારે હંગામો મચ્યો હતો. બાદમાં ધરપકડ કરાયેલા અક્ષય શિંદેનું પોલીસ વૅનમાં જ એન્કાઉન્ટરમાં મોત નીપજ્યું હતું.
નાગરિકો ફરી હંગામો ન કરે તે માટે પોલીસે ગુરુવારની ઘટના બાદ તરત કાર્યવાહી હાથ ધરી હતી. તેમ છતાં વાલીઓ અને રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઊતર્યા હતા. ટ્રેનને ટાર્ગેટ કરવાની શક્યતા જોતાં પોલીસે રેલવે સ્ટેશન પરિસરમાં ભારે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા વૅનની તોડફોડનો પ્રયાસ કરાયો હતો.
વૅનનું લાઈસન્સ રદ: કરી દંડ ફટકારાયો
બાળકી સાથે કુકર્મ બાદ તપાસમાં કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. કહેવાય છે કે જે વૅનમાં ઘટના બની તેનો ઉપયોગ વિદ્યાર્થીઓને શાળાએથી લાવવા-લઈ જવા કરવા સંબંધી કોઈ પરવાનગી નહોતી. આ બાબતે કલ્યાણ આરટીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આવી ગંભીર બેદરકારીને ધ્યાનમાં લઈ આરટીઓ દ્વારા વૅનનું લાઈસન્સ રદ કરવામાં આવ્યું છે અને 24 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
આરોપીને જોઈ ડરી ગયેલી બાળકી: વાલીઓ પાછળ સંતાઈ ગઈ
સ્કૂલ વૅનમાં બાળકી સાથે શરમજનક ઘટનાની જાણ થતાં જ વાલીઓ બાળકીને લઈ શાળાએ પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદ મળતાં જ શાળાની મહિલા પ્રિન્સિપાલે બસના ડ્રાઈવરને બોલાવ્યો હતો. ડ્રાઈવર પ્રિન્સિપાલની કૅબિનમાં પ્રવેશ્યો ત્યારે તેને જોતાં જ બાળકી એટલી બધી ડરી ગઈ હતી કે માતા-પિતાની પાછળ સંતાઈ ગઈ હતી. આના પરથી બાળકીની માનસિક સ્તિતિનો અંદાજ આવતાં વાલીઓએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ડ્રાઈવર સાથે શાળા પ્રશાસન પર પણ પગલાં લેવાની માગણી થઈ રહી છે.