બીડ: બીડ જિલ્લામાં દીપડાએ બુધવારે 45 વર્ષની મહિલા પર હુમલો કર્યો હતો, પણ મહિલાના ગળામાં વીંટળાયેલા જાડા સ્કાર્ફને કારણે દીપડો પોતાના દાંત તેના ગળામાં ખૂંપાવી શક્યો નહોતો અને મહિલા બચી ગઇ હતી.
અધિકારીના જણાવ્યા અનુસાર બીડ જિલ્લાના શિરુર કાસાર તહેસીલમાં બુધવારે બપોરે આ ઘટના બની હતી. મહિલાની ઓળખ મનકર્ણ શિવરામ નેટકે તરીકે થઇ હોઇ તે શિરુર કસાર તહેસીલના કોલવાડીની રહેવાસી છે. મહિલા બુધવારે બપોરે રુપ્પુર શિવાર ખાતે આવેલા પોતાના ખેતરમાં ગઇ હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ તેમણે સવારે નજીકના ડુંગરાળ વિસ્તારમાં ત્રાડનો અવાજ સંભળાયો હતો, પણ ખેતરોમાં કામ કરનારા લોકોએ તેના પર ધ્યાન આપ્યું નહોતું. દરમિયાન મહિલા બપોરે ખેતરમાં કામમાં વ્યસ્ત હતી ત્યારે દીપડો તેના તરફ ધસી આપ્યો હતો. દીપડાએ મહિલા પર હુમલો કર્યો હતો અને પોતાના દાંત મહિલાના ગળામાં ખૂંપવાનો પ્રયાસ કર્યો હતો. સદ્નસીબે મહિલાએ ગળામાં જાડો સ્કાર્ફ વીંટાળેલો હતો અને દીપડો પોતાના દાંત મહિલાના ગળામાં ખૂંપાવી શક્યો નહોતો.
મહિલાની ચીસો સાંભળીને નજીકના ખેતરમાં કામ કરી રહેલા લોકો મદદ માટે દોડી આવ્યા હતા, જેને કારણે દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો. દીપડાના હુમલામાં મહિલાને થોડી ઇજા થઇ હતી અને તેને સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાઇ હતી. બાદમાં તેને વધુ સારવાર માટે જિલ્લાની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. મહિલાની હાલત સ્થિર છે, એમ અધિકારીએ કહ્યું હતું.
રેન્જ ફોરેસ્ટ ઓફિસર અમોલ ઘોડકેએ જણાવ્યું હતું કે અમે દીપડાની ગતિવિધિઓ પર નજર રાખવા માટે સ્થળ પર કેમેરા ટ્રેપ બેસાડીશું. જો દીપડાનો ખતરો રહેશે તો અમે પાંજરું ગોઠવવા માટે વરિષ્ઠ અધિકારીઓ પાસે પરવાનગી માગીશું. (પીટીઆઇ)