અમદાવાદઃ શહેરમાં 262 કરોડથી વધુની ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના બે અલગ અલગ નકલી બિલિંગ કેસમાં DGGI દ્વારા ત્રણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પ્રથમ કિસ્સામાં 1403 કરોડથી વધુની રકમા ટેક્સેબલ મૂલ્ય પર આશરે 252.6 કરોડની છેતરપિંડીયુક્ત આઈટીસી મેળવવાનું મોટું બોગસ ઈન્વોઈસિંગ રેકેટ શોધી કાઢ્યું હતું. છેલ્લા બે મહિનામાં અમદાવાદ, જામનગર અને મુંબઈમાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ રેકોર્ડ્સ અને મોબાઈલ ઉપકરણો મળી આવ્યા હતા.
કેવી રીતે કરતા હતા GST ચોરી
તપાસમાં જાણવા મળ્યું છે કે ડમી ડાયરેક્ટરોનો ઉપયોગ કરીને અનેક અસ્તિત્વ ન ધરાવતી અને બિન-કાર્યરત પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ બનાવવામાં આવી હતી. આ કંપનીઓમાં કરોડનું બોગસ ટર્નઓવર દર્શાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પેઢીઓ માલ કે સેવાઓના વાસ્તવિક પુરવઠા વિના નકલી ઇન્વોઇસ ઇશ્યૂ કરતી હતી, જેનો ઉપયોગ લોખંડ, સ્ટીલ, કેમિકલ્સ, સિમેન્ટ, કૃષિ અને બાંધકામ જેવા ક્ષેત્રોમાં ટર્નઓવર વધારવા અને GST ચોરી કરવા માટે થતો હતો.
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, આ સિન્ડિકેટ વ્યવહારોને કાયદેસર બતાવવા માટે RTGS દ્વારા ઇન્વોઇસની રકમ ટ્રાન્સફર કરતી હતી, ત્યારબાદ તે નાણાં કમિશન કાપીને હવાલા ચેનલો દ્વારા રોકડમાં પરત કરવામાં આવતા હતા. જપ્ત કરાયેલા ડિજિટલ ઉપકરણોની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે.
કોણ છે માસ્ટરમાઈન્ડ
સૂત્રોએ જણાવ્યું કે, 17 GST-રજિસ્ટર્ડ કંપનીઓનું સંચાલન અમદાવાદના રહેવાસી રિઝવાન ખોજા દ્વારા કરવામાં આવતું હતું, જેણે તેના સાથીદારો, સ્ટાફ અને સંબંધીઓનો ઉપયોગ કરીને આ ઓપરેશનનું માસ્ટરમાઇન્ડિંગ કર્યું હતું. આ કૌભાંડ પર કેન્દ્રીય નિયંત્રણ રાખવા માટે, તેણે તમામ વ્યક્તિઓને મોબાઈલ ફોન આપ્યા હતા અને તપાસથી બચવા માટે તેને નિયમિત અંતરે બદલી નાખતો હતો.
બીજો આરોપી લલિત જૈન, બ્રોકર તરીકે કામ કરતો હતો અને કમિશન લઈને ઉદ્યોગના ખેલાડીઓને નકલી ઇન્વોઇસ વેચવામાં મદદ કરતો હતો. બંનેની 22 જાન્યુઆરીએ CGST એક્ટની કલમ 69 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને 5 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
બીજો એક અલગ કિસ્સામાં, 'મેસર્સ રાજનજી એન્ટરપ્રાઇઝ' ના મુખ્ય સંચાલક મેમણ મોહમ્મદ અફવાનની 20 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. તેના પર 27 કાલ્પનિક સંસ્થાઓ દ્વારા જારી કરાયેલા અંદાજે રૂ. 52 કરોડના બોગસ બિલો દ્વારા રૂ. 9.29 કરોડની નકલી ITC મેળવવાનો આરોપ છે. તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
આ કેસ અગાઉના રૂ. 800 કરોડના નકલી બિલિંગ કૌભાંડ કડી છે, જેમાં ડિસેમ્બર 2024 માં અમદાવાદના રહેવાસી રિતેશ શાહની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે નકલી બિલો મેળવનારાઓની વધુ તપાસ ચાલી રહી છે અને ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.