અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા અચાનક ત્રણ IAS અધિકારીઓને ટ્રાન્સફર અને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની બદલી કરી દેવામાં આવી હતી. શાલિની અગ્રવાલને હવે ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર (MD) બનાવાયા છે. શાલિની અગ્રવાલ, જે અગાઉ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે ફરજ બજાવતા હતા, તેમને ગાંધીનગરમાં બદલી કરવામાં આવી છે. અને તેમે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ, વડોદરા સાથે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના એમડી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

એમ. નાગરાજનને સુરત મ્યુનિસિપલ કમિશનર બનાવાયા
જ્યારે તેમની જગ્યાએ અમદાવાદ GSRTCના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમ. નાગરાજનને સુરત મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે. એમ. નાગરાજન 2009 બેચના આઈએએસ અધિકારી છે. નાગરાજન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનો પણ હવાલો સંભાળતા હતા. હવે ફક્ત તેઓ સુરત મહાનગરપાલિકાના કમિશનરનો હવાલો સંભાળશે.
ડો. રાજેન્દ્ર કુમાર બન્યાં GSRTCના વાઈસ ચેરમેન
એમ. નાગરાજનની જગ્યાએ ગાંધીનગર ટ્રાન્સપોર્ટ કમિશનર ડો. રાજેન્દ્ર કુમારને અમદાવાદ GSRTCના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. 19 જાન્યુઆરીના રોજના એક આદેશમાં ગુજરાત સરકારે જીએએસ અધિકારી બી.એન. પટેલને ગુજરાત ગેસ લિમિટેડ, ગાંધીનગરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. . આમ ત્રણ અધિકારીઓની બદલી કરીને વહિવટી તંત્રમાં ફેરફાર કરવામાં આવ્યા છે.