Tue Jan 27 2026

Logo

White Logo

લો બોલો, શ્વાનની પોટ્ટીથી આ શખ્સ કરે છે વર્ષે 29 લાખ રૂપિયાની કમાણી...

derbyshire   3 days ago
Author: Darshana Visaria
Video

(Kyle Newby) Tom Maddick / SWNS


સામાન્ય રીતે ભારતમાં રસ્તા કે બગીચામાં કૂતરાઓની ગંદકી જોવી એ સામાન્ય બાબત છે, પરંતુ વિદેશમાં પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. બ્રિટનમાં એક શખ્સે લોકોની આ આદત અને જરૂરિયાતને એક શાનદાર બિઝનેસ મોડલમાં ફેરવી દીધી છે. શ્વાનની પોટ્ટીથી કોઈ વ્યક્તિ લાખો રૂપિયાની કમાણી કઈ રીતે કરી શકે એવો સવાલ તમને પણ ચોક્કસ જ થયો હશે ને? ચાલો તમને આ વિશે જણાવીએ... 

બ્રિટનના ડર્બીશાયરમાં રહેતા 39 વર્ષીય કાઈલ ન્યૂબી આજે ચર્ચાનો વિષય બની ગયો છે. જે કામ કરતાં લોકો ખચકાટ અનુભવે છે એ કામને કાઈલ પ્રોફેશનલ ટચ આપીને વર્ષે લાખોની કમાણી કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે કાઈલ એક પ્રોફેશનલ પૂપર સ્કૂપર (Professional Pooper Scooper) બની ગયો છે.

કાઈલે જણાવ્યું કે માર્ચ 2025માં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો જોયા પછી તેને આ આઈડિયા આવ્યો હતો. અમેરિકામાં શ્વાનની પોટ્ટી ઉઠાવવાનો કે સાફ કરવાનો બિઝનેસ ખૂબ જ લોકપ્રિય છે. આ જોઈને કાઈલે ફેસબુક પર જાહેરાત મૂકી અને જોતજોતામાં તેમની પાસે ગ્રાહકોનો ધસારો વધવા લાગ્યો. આજે તેમની પાસે 35 પર્મેનન્ટ છે.

કાઈલ અઠવાડિયાના બે દિવસ આ સેવા આપે છે, જેમાં તે બુધવારે 15 ગ્રાહકો અને શનિવારે 20 ગ્રાહકોને સેવા આપે છે. કાઈલ ફર્સ્ટ મીટિંગ માટે કાઈલ 40 ડોલર અને ત્યારબાદ દર અઠવાડિયે 20 ડોલર ચાર્જ કરે છે. દરેક બગીચામાં સફાઈ માટે માત્ર 10-15 મિનિટનો સમય લાગે છે. કાઈલ એક ખાસ સ્કૂપર અને બેગની મદદથી પોટી ઉઠાવે છે અને ત્યારબાદ તે જગ્યાને મશીન વડે સ્વચ્છ કરે છે.

કાઈલના જણાવ્યા અનુસાર, તેઓ માત્ર પાર્ટ-ટાઈમ કામ કરીને દર મહિને આશરે 2,680 ડોલર કમાય છે. આ કમાણી કલાકના હિસાબે ગણીએ તો લગભગ 60 ડોલર એટલે કે આશરે 5,000 રૂપિયા પ્રતિ કલાક થાય છે. વાર્ષિક ધોરણે તેની કમાણી 29 લાખ રૂપિયાથી પણ વધારે છે. કાઈલ કહે છે કે લોકો 10 કલાકની નોકરીમાં જે પૈસા કમાવે, તેનાથી વધુ કમાણી તો તે માત્ર થોડા કલાકમાં શ્વાનની પોટ્ટી ઉઠાવીને કરી લે છે.

ભારત જેવા દેશોમાં લોકો પાળેલા શ્વાનને સુ-સુ પોટ્ટી કરાવવા માટે બહાર લઈ જાય છે અને મનફાવે ત્યાં ગંદકી ફેલાવે છે. કાઈલનો આ વ્યવસાય એ વાતનો પુરાવો છે કે વિદેશોમાં લોકો પર્યાવરણ અને સફાઈ પ્રત્યે કેટલા જાગૃત છે કે તેઓ આવી સફાઈ માટે પણ મોટી રકમ ચૂકવવા તૈયાર હોય છે.

છે ને એકદમ અનોખું જોબ અને કમાણી કરવાનું માધ્યમ? આને કહેવાલ એક પંથને બે કાજ. સ્વચ્છતાની સ્વચ્છતા પણ અને કમાણીની કમાણી પણ ખરી. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...