ગાંધીનગરઃ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી આર્થિક અક્ષમતાઓને કારણે રાજ્યની દીકરીઓને શિક્ષણ છોડી ન દેવું પડે અને વધુને વધુ દીકરીઓ પોતાનું સંપૂર્ણ શાળાકીય શિક્ષણ પૂર્ણ કરે તેવા ઉદ્દેશથી શિક્ષણ વિભાગે ‘નમો લક્ષ્મી યોજના’ શરૂ કરી છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર વર્ષ ૨૦૨૫-૨૬માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં અભ્યાસ કરતી અંદાજે ૧૨ લાખથી વધુ વિદ્યાર્થિનીઓને ₹.૧,૨૫૦ કરોડની સહાય કરાશે.
કેટલી સહાય આપવામાં આવે છે
યોજના હેઠળ,રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB), કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આ સહાય મળવાપાત્ર છે. જો વિદ્યાર્થિનીઓને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર છે. નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ ૦૯ થી ૧૨માં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થિનીઓને આ ચાર વર્ષ દરમિયાન કુલ રૂ.૫૦ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે.
શું છે આ યોજનાનો હેતુ
આ યોજનાનો મુખ્ય હેતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સાથે કિશોરવયની કન્યાઓના પોષણ અને આરોગ્યને વધુ સુદ્રઢ બનાવવાની જરૂરીયાત રાજ્ય સરકારના ધ્યાને આવી હતી. જેના પરિણામ સ્વરૂપે કિશોરવયની વિદ્યાર્થીનીઓને શિક્ષણની સાથોસાથ પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તીકરણ થાય તે હેતુથી આર્થિક સહાય આપવા માટે ‘નમો લક્ષ્મી યોજના' શરૂ કરવામાં આવી છે.
નમો લક્ષ્મી યોજનાનો કોણ લઈ શકે છે લાભ
આ યોજનાનો લાભ રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળા અથવા આર.ટી.ઇ અંતર્ગત ધોરણ-૧ થી ૮ નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ-૯માં પ્રવેશ મેળવેલ હોય અથવા ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ-૮નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક રૂ.૬લાખ કે તેથી ઓછી હોય તેવી ધોરણ-૯માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ ‘નમો લક્ષ્મી યોજના’નો લાભ લઈ શકે છે.
કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે સહાય
અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬માં અંદાજિત ૧૨ લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ ૯ થી ૧૨નો અભ્યાસ પૂર્ણ કરેથી કુલ રૂ. ૫૦,૦૦૦ સુધીની સહાય મળવાપાત્ર રહેશે. જે અંતર્ગત ધોરણ ૯ અને ૧૦ની મળીને કુલ રૂ. ૨૦,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી ધો. ૯ અને ૧૦માં શૈક્ષણિક વર્ષ દરમિયાન ૧૦ માસ માટે માસિક રૂ. ૫૦૦ મુજબ વાર્ષિક રૂ. ૫,૦૦૦ પ્રમાણે બન્ને વર્ષના મળી કુલ રૂ. ૧૦,૦૦૦ ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. ૧૦,૦૦૦ ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે.
ધોરણ ૧૧ અને ૧૨ના મળી કુલ રૂ. ૩૦,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી ૧૧ અને ૧૨ ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન ૧૦ માસ માટે માસિક રૂ. ૭૫૦ મુજબ વાર્ષિક રૂ. ૭,૫૦૦ પ્રમાણે બન્ને વર્ષના મળી કુલ રૂ. ૧૫,૦૦૦ ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. ૧૫,૦૦૦ - ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ મળશે.