(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ કચ્છમાં પણ હવે જાણે યુપી-બિહારની જેમ ગેંગવોર, હુમલા, સરાજાહેર હત્યા જેવા બનાવો બનવા એક આમ બાબત બની ચુકી છે. રાપરના નવાપરા વિસ્તારમાં મકાન પાસે પૂરઝડપે કારમાં આંટા ફેરાં કરી રહેલા એક યુવકને ઠપકો આપવા બદલ ૨૨ વર્ષના પ્રવિણ જગમાલ ભરવાડ નામના યુવકની છરી મારીને હત્યા કરી દેવાનો વધુ એક બનાવ બહાર આવતાં વાગડ પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, થોડા દિવસો અગાઉ પ્રવિણ ભરવાડના ઘર પાસે કાર લઈને સતત આંટા મારી રહેલા આરોપી નીમેષ કિરીટભા ગઢવીને ઠપકો આપવામાં આવ્યો હતો. જેની અદાવત રાખીને ગત રવિવારે સાંજે સાતેક વાગ્યાના અરસામાં નીમેષે નગરપાલિકાના ડમ્પિંગ ગ્રાઉન્ડ નજીક ઉભેલા પ્રવિણને પેટમાં છરી ભોંકી, નાસી છૂટ્યો હતો. લાંબા સમય સુધી પ્રવિણ ઘરે ન આવતાં તેના પરિવારજનો તેને શોધતાં શોધતાં ત્યાં આવી પહોંચ્યા હતા. છરીનો ઘા નેનો લાગતો હોઈ પ્રવિણે હોસ્પિટલમાં જઈ સારવાર મેળવવાનો ઈન્કાર કરતાં સ્વજનો તેને ઘરે લઈ ગયા હતા.
દરમ્યાન, સવારે અચાનક પેટમાં અસહ્ય દુઃખાવો ઉપડતાં પરિવારજનો પ્રવિણને રાપરની સરકારી હોસ્પિટલે લઇ ગયા હતા. સરકારી હોસ્પિટલે ઈજા ગંભીર હોવાનું જણાવીને તેને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ રીફર કર્યો હતો. સામખિયાળી નજીક રસ્તામાં જ તેણે દમ તોડી દીધો હતો. આ બનાવ અંગે હત્યાની કલમો તળે ગુનો નોંધી, આરોપી યુવકની ધરપકડ કરવા તજવીજ હાથ ધરાઈ હોવાનું રાપરના પી.આઈ જે.બી. બુબડીયાએ જણાવ્યું હતું.