અકોલા: મહારાઝ્ય્રના અકોલાની કોર્ટે ગવળી સમુદાયના રાજ્ય પ્રમુખ કિસનરાવ હુંડીવાલેની મે, 2019ના રોજ થયેલી હત્યાના કેસમાં 10 આરોપીને બુધવારે આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી શ્રીરામ ગાવંડે, રંજિત ગાવંડે, વિક્રમ ગાવંડે, સૂરજ ગાવંડે, ધીરજ ગાવંડે, વિશાલ તાયડે, સતીષ તાયડે, પ્રતીક તોંડે, મયૂર અહિર અને દિનેશ રાજપૂતને દોષી ઠેરવ્યા હતા, એમ વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે જણાવ્યું હતું.
કોર્ટે પૂરતા પુરાવાને અભાવે પ્રવીણ શ્રીરામ ગાવંડે, મંગેશ ગાવંડે, દિપાલી ગાવંડે, નમ્રતા ગાવંડે અને શેખ સાબિરને નિર્દોષ જાહેર કર્યા હતા. ગવળી સમુદાયના પ્રભાવશાળી નેતા હુંડીવાલે પર 6 મે, 2019ના રોજ અકોલા શહેરમાં ચેરિટી કમિશનરની ઓફિસમાં હુમલો કરવામાં આવ્યો હતો.
હુંડીવાલે અને અમુક આરોપીઓ વચ્ચે શૈક્ષણિક સંસ્થા પર નિયંત્રણ અંગેના વિવાદને લઇ સંબંધો વણસ્યા હતા અને હુમલા અગાઉ ચેરિટી કમિશનરની ઓફિસમાં તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. હુંડીવાલેના માથા પર ફાયર ઍક્સટિંગ્યુશર સિલિન્ડરથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેને ગંભીર ઇજા થઇ હતી. આ પ્રકરણે સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં પંદર લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)