મહેસાણાઃ કોંગ્રેસ નેતાએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. શહેરના ફુવારા સર્કલ નજીક નશામાં ધૂત મહેસાણા કોંગ્રેસના નવનિયુક્ત મહામંત્રી પાર્થ રાવલે તેની કાર બેફામ હંકારીને અન્ય વાહનો સાથે અથડાવી હતી. અકસ્માતના પગલે લોકો એકત્ર થઈ ગયા હતા. સ્થળ પર હાજર લોકોએ જોયું કે, કાર ચાલક નશાની હાલતમાં હતા. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
પાર્થ રાવલની નવેમ્બર 2025માં કોંગ્રેસ શહેર મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી. પદ મળ્યાના ટૂંકા ગાળામાં તે દારૂના નશામાં પકડાતા રાજકીય ચર્ચાઓ પણ શરૂ થઈ હતી. અકસ્માતની જાણ થતા પોલીસ પણ આવી પહોંચી હતી.
DB
પોલીસે આવીને તપાસ કરતાં પાર્થ રાવલની કારમાંથી દારૂની બોટલ મળી હતી. જેના પર રાજસ્થાન ઓન્લી ફોર સેલનું લેબલ હતું. પાર્થ રાવલ નશાની હાલતમાં હોવાનું સામે આવતાં પોલીસે અટકાયત કરી હતી.
પાર્થ રાવલે અકસ્માત કર્યા બાદ નવાબી સ્ટાઇલમાં દારુની બોટલ કારની બોનેટ પર મૂકી હતી. જેમાં સ્થાનિક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. તેથી સ્થાનિક પોલીસે પાર્થ રાવલની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી. જિલ્લા કોંગ્રેસના નવા ભવનના ઉદ્ઘાટનની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં ઉદ્ઘાટન બાદ સેલિબ્રેશન પાર્ટીમાં નશો કર્યો હોવાની લોકોમાં ચર્ચા થઇ રહી છે.