ઢાકા: આગામી સાતમી ફેબ્રુઆરીએ શરૂ થઈ રહેલા મેન્સ ટી-20 વર્લ્ડ કપ (World cup) માટે પોતાના ક્રિકેટરોને ભારત ન મોકલવાના હઠાગ્રહની બાંગ્લાદેશે આકરી કિંમત ચૂકવવી પડી છે જેમાં આઈસીસી (ICC)એ વર્લ્ડ કપમાંથી જ એની હકાલપટ્ટી કરી નાખી છે અને શનિવારે આકરુ પગલું લેવામાં આવ્યા બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ મૌન તોડ્યું છે.
ડિરેક્ટરે હોદ્દાનો ત્યાગ કર્યો
ઉલ્લેખનીય છે કે આઈસીસીએ બાંગ્લાદેશની ક્રિકેટ ટીમને ટી-20 વર્લ્ડ કપમાંથી કાઢી મૂકી એને પગલે હવે ઘણા નવા વળાંક જોવા મળી શકે અને એમાંનું એક અપડેટ એ છે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ડિરેક્ટરપદેથી ઇશતિઆક સાદિકે રાજીનામું આપી દીધું છે.
બાંગ્લાદેશ આઉટ, સ્કૉટલૅન્ડ ઈન
ભારતમાં બાંગ્લાદેશના ક્રિકેટરો અને કોચિંગ સ્ટાફ તેમ જ પત્રકારોની સલામતી સામે કોઈ જ ભય નથી એવી જય શાહના અધ્યક્ષસ્થાન હેઠળની આઈસીસીએ બાંગ્લાદેશને વારંવાર ખાતરી આપી હોવા છતાં બાંગ્લાદેશે પોતાની ક્રિકેટ ટીમને ભારત ન મોકલવાની જીદ ન છોડી જેનું પરિણામ એ આવ્યું કે આઈસીસીએ બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરીને એના સ્થાને સ્કૉટલૅન્ડને રમવાનું આમંત્રણ આપ્યું છે.

બાંગ્લાદેશ જાણતું જ હતું કે...
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની મીડિયા કમિટીના ચેરમૅન અહમદ હુસૈને જણાવ્યું હતું કે ‘ અમે જાણતા હતા કે આઈસીસી અમારી માગણી નહીં જ સ્વીકારે. અમે એને વારંવાર અપીલ કરી હતી અને મીટિંગો પણ રાખી હતી, પરંતુ જ્યારે બહુમત નિર્ણય લેવામાં આવ્યો એટલે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો.'
આઇસીસીનું સ્પષ્ટ વલણ
બાંગ્લાદેશે પોતાની ટીમની મૅચો કલકત્તા અને મુંબઈને બદલે શ્રીલંકામાં રાખવાની આઇસીસીને વિનંતી કરી હતી, પરંતુ આઇસીસીએ દ્રઢપણે જણાવ્યું હતું કે ભારતમાં સલામતી સામે કોઈ જ ભય નથી એટલે મૂળ સમયપત્રકમાં કોઈ જ ફેરફાર નહીં કરવામાં આવે અને બાંગ્લાદેશે પોતાના ક્રિકેટરોને ભારત મોકલવા જ પડશે.

આર્બિટ્રેશન કોર્ટની મદદ નહીં લે
અહમદ હુસૈને પત્રકારોને એવું પણ જણાવ્યું હતું કે ‘ અમારી બાંગ્લાદેશની સરકારે એવું નક્કી કર્યું કે ભારતમાં બાંગ્લાદેશી ક્રિકેટરો તેમ જ સપોર્ટ સ્ટાફ અને પત્રકારોની સલામતી નહીં રહે એટલે છેવટે અમે ભારત પ્રવાસનો બહિષ્કાર કરવાની અમારી માગણીને વળગી રહ્યા હતા. હવે અમે એ પણ ખુલાસો કરી દેવા માગીએ છીએ કે અમે આઈસીસીના અમારી હકાલપટ્ટીને લગતા નિર્ણયની વિરુદ્ધમાં લવાદ (આર્બિટ્રેશન) કે બીજી કોઈ કાનૂની પ્રક્રિયાની મદદ નહીં લઈએ.'