નાશિક: જૂની અદાવતને પગલે વેર વાળવાની વૃત્તિથી સરકારી અધિકારીના 16 વર્ષના દીકરાએ બીએમડબ્લ્યુ કાર પુરપાટ વેગે ચલાવી સ્કૂટરસવાર બે મિત્રને કચડવાનો પ્રયાસ કર્યો હોવાની આંચકાજનક ઘટના નાશિકમાં બની હતી.
પોલીસના જણાવ્યા મુજબ સગીર વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિત અન્ય આરોપો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. શનિવારે નાશિક શહેરના ગંગાપુર રોડ પરિસરમાં સ્કૂટરને અડફેટે લઈ સગીર કાર સાથે ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે ટ્રેસ કરી તેને તાબામાં લીધો હતો અને રિમાન્ડ હોમમાં મોકલી આપ્યો હતો.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે બીએમડબ્લ્યુ કાર સરકારી અધિકારીનો પુત્ર છે. જખમી સ્કૂટરસવાર બન્ને મિત્ર છે અને સગીર વયના છે. બન્ને સગીરમાંથી એકે આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે બન્ને મિત્ર સ્કૂટર પર જતા હતા ત્યારે સગીરે તેની લક્ઝુરિયસ કારમાં સ્કૂટરનો પીછો કર્યો હતો. પછી બન્નેને મારી નાખવાના હેતુથી તેણે સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતમાં બન્ને ગંભીર રીતે ઘવાયા હતા. સારવાર માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જૂની અદાવતને પગલે સગીરે રોષમાં આવું કૃત્ય કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આ પ્રકરણે ગંગાપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. (પીટીઆઈ)